×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લાંચ કેસમાં CBI દ્વારા પાવર ગ્રીડ અને ટાટા પાવરના કુલ 6 અધિકારીઓની ધરપકડ

નવી દિલ્હી, તા.7 જુલાઈ 2022,ગુરૂવાર

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ એ પાવર ગ્રીડ કોર્પોરેશન અને ટાટા પ્રોજેક્ટને સંડોવતા લાંચ કેસમાં મોટી કાર્યવાહી કરતા કુલ 6 સિનિયર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ આ કેસમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એસ. ઝા અને ટાટા પ્રોજેક્ટના 5 અધિકારીઓની ધરપકડ કરી છે. 

આ કેસ ભારત સરકારની માલિકીની વિજ કંપની પાવર ગ્રીડના લાંચ સંબંધિત છે. આ કેસમાં સંડોવાયેલા અધિકારીઓની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું સીબીઆઇના સુત્રોએ જણાવ્યુ છે. 

સીબીઆઇના સુત્રોના જણાવ્યા અનુસાર ટાટા પ્રોજેક્ટના 5 સિનિયર અધિકારીઓ જેમાં કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન દેશરાજ પાઠક અને આસિસ્ટન્ટ વાઇસ ચેરમેન આર.એન. સિંહ સામેલ છે. સીબીઆઇએ આ લાંચ કેસમાં દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા અને ગાઝિયાબાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. 

સુત્રોના જણાવ્યા અનુસાર ઝા અને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડના અન્ય પાંચ અધિકારીઓની સીબીઆઈ દ્વારા નોર્થ ઈસ્ટર્ન રિજનલ પાવર સિસ્ટમ ઈમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

તપાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ દરમિયાન, પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એસ. ઝાના પરિસરમાંથી 93 લાખ રૂપિયા જપ્તા કરવામાં આવ્યા છે.

CBI દ્વારા અધિકારીઓની ધરપકડ અંગે ટાટા પાવરની સ્પષ્ટતા

સીબીઆઇ દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશન અને ટાટા પ્રોજેક્ટ વચ્ચેના લાંચ કેસમાં 6 કંપનીઓની ધરપકડના સમાચારો વહેતા થયા છે. તે અંગે ટાટા પાવરે સ્પષ્ટતા કરી છે. ટાટા પાવરના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, “ટાટા પાવર સ્પષ્ટ કરે છે કે, ટાટા પાવરના કોઈપણ અધિકારી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને સંડોવતા કથિત લાંચ કેસમાં સામેલ નથી, જેની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે. કેટલાક મીડિયા અહેવાલોએ કથિત કેસમાં ટાટા પાવરના નામનો ખોટી રીતે ઉલ્લેખ કર્યો છે."