×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લદ્દાખ મોરચે ચીન પણ રશિયાવાળી કરી શકે છે, રાહુલ ગાંધીની સરકારને ચેતવણી

નવી દિલ્હી,તા.8 એપ્રિલ 2022,શુક્રવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને ચેતવણી આપી છે કે, લદ્દાખ મોરચા પર ચીન રશિયા જેવી જ હરકત કરી શકે છે.

રાહુલ ગાંધી શરદ યાદવ સાથે મુલાકાત કરવા માટે ગયા હતા અને ત્યાં તેમણે કહ્યુ હતુ કે, રશિયાએ જે હરકત યુક્રેનમાં કરી છે તેવુ ચીન પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ચીન ભારતની પાવર ગ્રીડ હેક કરવાની કોશિશ કરી રહ્ય છે તે વાત સરકારે પણ સ્વીકારી છે ત્યારે રાહુલ ગાંધીએ આ અંગેના સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ કે, ચીન મુદ્દા પર સંસદમાં વિપક્ષ ચર્ચા કરવા ઈચ્છે છે પણ સરકાર આ માટે તૈયાર નથી. રશિયાએ યુક્રેનના બે પ્રાંત ડોનબાસ અને લુગાંસ્કને યુક્રેનનો ભાગ નહીં હોવાનુ કારણ આપીને યુક્રેન પર આક્રમણ કર્યુ છે તો આ જ દલીલ ચીન હિન્દુસ્તાન પર પણ લાગુ કરી રહ્યુ છે. ચીન પણ કહી રહ્યુ છે કે, લદ્દાખ અને અરૂણાચલ ભારતનો ભાગ નથી અને ભારતે ત્યાં બળજબરીથી સેના બેસાડી રાખી છે.

રાહુલે કહ્યુ હતુ કે, સરકાર આ બાબતને નજર અંદાજ કરી રહી છે પણ ચીન રશિયાના મોડેલને અમલમાં મુકી શકે છે. પણ સરકાર સત્ય સ્વીકારવા માટે તૈયાર નથી. જો સત્ય નહીં સ્વીકારો અને તૈયારી નહીં કરો તો સ્થિતિ વધારે વણસી શકે છે.

રાહુલ ગાંધીએ મોંઘવારીના મુદ્દે કહ્યુ હતુ કે, જે દેશમાં શાંતિ અને સદભાવ નથી હોતો ત્યાં મોંઘવારી વધશે અને દેશમાં નફરત વધશે. ઈકોનોમીને મજબૂત બનાવવી હશે તો દેશમાં શાંતિ સૌથી વધારે જરૂરી છે. ભાજપના લોકો વિચારતા હોય કે નફરત ફેલાવીને કે લોકોને ડરાવીને ઈકોનોમી મજબૂત કરી શકાય છે તો તે તેમની મોટી ભૂલ છે.

રાહુલ ગાંધીએ કહ્યુ આવનારો સમય એવો હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. કારણકે દેશમાં રોજગારનુ માળખુ છે તે તુટી ચુકયુ છે. નાના વેપારીઓ અને દુકાનદારો આ માળખામાં કરોડરજ્જુ સમાન હતા અને તે તુટી ગઈ છે. પીએમ બીજા દેશો જે કરી રહ્યા છે તે જ ભારતમાં કરવા માંગે છે. આ રીતે કામ નહી થઈ શકે. આપણે સમજવુ પડશે કે આપણે શુ છે અને દેશમાં શું લાગુ કરી શકાય તેમ છે...ચાર પાંચ વર્ષમાં દેશમાં કરોડરજ્જુ તુટી જવાના ભયંકર પરિણામો જોવા મળશે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સત્ય છુપાવી શકાતુ નથી. મીડિયા થકી તમે થોડા સમય માટે સત્યને દબાવી શકશો પણ જ્યારે આ સત્ય યુવાઓના પેટ સુધી પહોંચશે ત્યારે મીડિયા તેને નહીં છુપાવી શકે. છેલ્લા કેટલાક વર્ષોથી મીડિયા, ભાજપ અને આરએસએસ સત્યને છુપાવી રહ્યુ છે પણ હવે સત્ય બહાર આવી રહ્યુ છે.શ્રીલંકામાં આ જ થયુ હતુ.ભારતના ભાગલા પાડવામાં આવ્યા છે.અલગ અલગ જૂથમાં દેશ વહેંચાઈ ગયો છે.પહેલા દેશ એક હતો.હવે અલગ અલગ દેશ બનાવી દેવાયા છે.લોકોને એક બીજા સાથે લડાવાઈ રહ્યા છે.જ્યારે દર્દ છલકાશે ત્યારે હિંસા પણ ફાટી નીકળશે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અત્યારે દેશનુ 100 ટકા મીડિયા સરકારના નિયંત્રણ હેઠળ છે.