×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લખીમપુર હિંસા : અંતે આશિષ મિશ્રાની ૧૨ કલાકની પૂછપરછ પછી ધરપકડ

લખનઉ, તા. ૯

લખીમપુર ખીરી હિંસાના કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર અને આરોપી આશીષ મિશ્રાની શનિવારે અંતે ધરપકડ કરવામાં આવી હતી. આશિષ મિશ્રા સવારે ૧૧.૦૦ વાગ્યે એસઆઈટી સમક્ષ હાજર થયો હતો. લખીમપુર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં મેજિસ્ટ્રેટ સામે આશીષ મિશ્રાની લગભગ ૧૨ કલાક કરતાં વધુ સમય સુધી પૂછપરછ કરાઈ હતી, પરંતુ તપાસમાં સહયોગ નહીં કરવાના અને કેટલાક સવાલોના જવાબ નહીં આપવાના આરોપમાં આશીષ મિશ્રાની ધરપકડ કરાઈ છે.

લખીમપુર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં પૂછપરછ વખતે આશિષ મિશ્રાના વકીલ, ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલ, લખીમુપરના એસડીએમ પણ હાજર હતા. આશીષ મિશ્રાએ તેની તરફેણમાં કેટલાક વીડિયો રજૂ કર્યા. ૧૦ લોકોના સોગંદનામા પણ રજૂ કર્યા, જેમાં જણાવાયું હતું કે, આશીષ મિશ્રા કાફલા સાથે નહીં, પરંતુ દંગલના મેદાનમાં હતો. જોકે, ૩જી ઑક્ટોબરે બપોરે ૨.૩૬થી ૩.૩૦ વચ્ચે તે ક્યાં હતો તેનો આશિષ જવાબ આપી શક્યો નહોતો.

દરમિયાન ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે લખીમપુર હિંસાના વિરોધમાં તેઓ મંગળવારે લખીમપુર માર્ચ કરશે અને ૧૨મીએ ખેડૂતો ઉત્તર પ્રદેશના બધા જ જિલ્લાઓમાં કળશ યાત્રા નિકાળશે. ૧૮મીએ 'રેલ રોકો' આંદોલન કરશે. તેમણે ૨૬મી ઓક્ટોબરે લખનઉમાં એક મહાપંચાયત યોજવાની પણ યોજના બનાવી છે. ખેડૂત સંગઠનોએ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને પદ પરથી દૂર કરવા અને આશિષ મિશ્રાની ધરપકડની માગણી કરી છે.

બીજીબાજુ લખીમપુરમાં ભાજપના બે કાર્યકરોની હત્યા અંગે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે શનિવારે કહ્યું કે ખેડૂતોની મોતના જવાબમાં ભાજપ કાર્યકરોની હત્યા એક ક્રિયા પર થયેલી પ્રતિક્રિયા હતી. અમે તેને ખોટી નથી માનતા. અમે આ હત્યામાં સામેલ લોકોને દોષી પણ નથી માનતા. ટિકૈતે આ આંચકાજનક ટીપ્પણી એવા સમયે કરી છે જ્યારે ખેડૂતો લખીમપુર ખીરી ઘટના વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો પર ભાર મૂકી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ આશિષ મિશ્રાની ધરપકડ અને પિતા અજય મિશ્રાની મંત્રીપદેથી હકાલપટ્ટીની માગણી કરી છે.

દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ લખીમપુર ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ દરમિયાન આશીષ મિશ્રાએ પોતાના બચાવમાં જે વીડિયો રજૂ કર્યા હતા તેના સમયની પુષ્ટી થઈ શકી નથી. આ વીડિયો મુજબ ઘટના સમયે તે દંગલ કાર્યક્રમમાં રેફરીનું કામ કરી રહ્યો હતો. હવે આ વીડિયોના સમય અંગે ચકાસણી હાથ ધરવામાં આવશે.