×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોને એક વર્ષમાં બંગાળથી દેશનિકાલ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી, 26 જુન 2021 શનિવાર

પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ અને અટકાયત કરવા અને તેમને દેશનિકાલ કરવાની માંગ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને એક વર્ષમાં આવા તમામ લોકોને દેશનિકાલ કરવા નિર્દેશ આપવા તાકીદ કરવામાં આવી છે.

બંધારણની કલમ -32 હેઠળ બર્ધમાન નિવાસી માનવાધિકાર કાર્યકર સંગીતા ચક્રવર્તી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં એવા સરકારી અધિકારીઓ, પોલીસકર્મીઓ અને સુરક્ષા દળના લોકોને ઓળખવા અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) લાદવાની વિનંતી કરવામાં આવી છે, કે જેમનો સંબંધ એવા માફિયા સાથે છે, જેમની મદદથી તે બધા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા છે.

એડ્વોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આવા સરકારી અધિકારીઓની અપ્રમાણસરની સંપત્તિ 100% જપ્ત કરવી જોઈએ. આ સાથે અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવા સરકારી અધિકારીઓ, ટ્રાવેલ એજન્ટો અને અન્ય લોકો પર રાસુકા લગાવવામાં આવે કે જેમણે રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોને આધાર, રેશનકાર્ડ, મતદાર ID કાર્ડ વગેરે અપાવવાની મદદ કરી.

અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે દેશમાં ગેરકાયદેસર પ્રવેશનાં ગુનાને ઓળખી શકાય તેવું, બિનજામીનપાત્ર અને બિન-સંયોજનયોગ્ય જાહેર કરવા માટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) માં એક અધ્યાય ઉમેરવામાં આવે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણી બાદ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોએ હિન્દુ પરિવારો સાથે લૂંટ, હુમલો, અપહરણ જેવા ગુનાઓ આચર્યા હતાં અને તેમના મકાનોને આગ ચાંપી દીધી હતી.

બિજેપને મત આપનારા હિન્દુ પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા. પીટીશનમાં પીડિતોનાં કેટલાક પરિવારોને ટાંકવામાં આવ્યા છે. અરજીમાં લો કમિશનના 175 માં રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર ઘુસણખોરો લોકશાહી અને દેશની આંતરિક સુરક્ષા માટે જોખમ છે.  રિપોર્ટમાં ખાસ કરીને ભારતના પૂર્વ ભાગ અને જમ્મુ-કાશ્મીરનાં ઘુસણખોરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.