×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રોજ મરી રહ્યા છે ખેડૂતો પણ સરકાર સામે નિડર બનીને ઉભા છે, રાહુલ ગાંધીનુ ખેડૂતોના સમર્થનમાં ટવિટ

નવી દિલ્હી,તા.9 જૂન 2021,બુધવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ખેતરો અને દેશની સુરક્ષા કરી રહેલા ખેડૂતો મરી રહ્યા છે પણ ડર્યા નથી આજે પણ ખેડૂતો ખતરામાં છે.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, ખેડૂત આંદોલનમાં અત્યાર સુધીમાં 500 ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર પોતાનુ આંદોલન ચાલુ રાખ્યુ છે. હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પણ ખેડૂત આંદોલનને ફરી વેગવંતુ બનાવવા પ્રયાસ કરે તેવુ લાગી રહ્યુ છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ખેડૂતોના રોજ મોત થઈ રહ્યા છે પણ ખેડૂતો નીડર બનીને સરકાર સામે ઉભા છે. આ પહેલા પણ રાહુલ ગાંધી ખેડૂતોનુ સમર્થન કરીને મોદી સરકારના વિરોધમાં નિવેદનો આપી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર વખતે દિલ્હી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા ઓછી થઈ હતી પણ આમ છતા ખેડૂત સંગઠનો આંદોલન ચાલુ છે તેમ કહી ચુક્યા છે.

સરકાર ગયા સપ્ટેમ્બર મહિનામાં 3 નવા કૃષિ કાયદા લાવી હતી અને ખેડૂતો આ કાયદા પર ભડકયા છે. ત્યારથી આંદોલન ચાલી રહ્યુ છે. દિલ્હી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો છે અને ખેડૂતો કહી રહ્યા છે કે, જ્યાં સુધી સરકાર પોતાના કાયદા પાછા નહીં ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.