×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રોકાણકારોને ગોલ્ડ ફળ્યું… 5 વર્ષમાં સેન્સેક્સ-નિફ્ટી કરતા સોનાએ આપ્યું 100% રિટર્ન

મુંબઈ, તા.21 માર્ચ-2023, મંગળવાર

સોમવાર 20 માર્ચ-2023ના રોજ સોનું 60000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સ્તરને પાર કરી ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 60418 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. 2022ના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું રૂ.54790 પર હતું. એટલે કે 2023માં સોનામાં રોકાણ કરનારા રોકાણકારોને 10 ટકા અથવા પ્રતિ 10 ગ્રામ 5600 રૂપિયાથી વધુ વળતર મળ્યું છે. 2022ની શરૂઆતમાં સોનું 47850 રૂપિયા પર હતું. એટલે કે આ 14 મહિનામાં સોનાએ પ્રતિ 10 ગ્રામ 26 ટકા અથવા 12550 રૂપિયાનું વળતર આપ્યું છે.

સોનાએ આપ્યું શ્રેષ્ઠ વળતર

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2022 યુક્રેન-રશિયાના યુદ્ધનું વર્ષ રહ્યું છે, ત્યારબાદ વૈશ્વિક આર્થિક સંકટ, કમરતોડ મોંઘવારી અને મોંઘા વ્યાજદરનું વર્ષ જોવા મળ્યું... તેથી 2022માં વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. 2022ની શરૂઆતમાં કોમોડિટીના ભાવમાં વધારો થયો, જોકે વર્ષ પૂર્ણ થતાં જ તેમાં ઘટાડો જોવા મળ્યો. પરંતુ જે લોકોએ સોનામાં રોકાણ કર્યું, તે લોકોને સોનાની ચમકે અમીર બનાવી દીધા...

2008માં રૂ.12000ની આસપાસ હતું સોનું

જ્યારે પણ મોંઘવારી વધુ હોય છે, ત્યારે રોકાણકારો હેજિંગ અને તેમની મહેનતના નાણાં બચાવવા સોનામાં રોકાણ કરે છે અને સોનામાં રોકાણ કરનારા લોકો ક્યારેય નિરાશ થયા નથી. 2008માં જ્યારે લેહમેન બ્રધર્સની નાદારીના કારણે વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાઈ હતી, ત્યારે સોનું રૂ.12000 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. 2012માં સોનાની કિંમત 31000 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જોકે ત્યારબાદ ભાવમાં નરમાઈ જોવા મળી. વર્ષ 2018માં સોનું રૂ.30000થી રૂ.31000 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ જોવા મળ્યું હતું. ત્યારબાદ પાંચ વર્ષમાં સોનાની કિંમત બમણી થઈ ગઈ અને સોનામાં રોકાણ કરનારાઓને 5 વર્ષમાં 100% વળતર મળ્યું છે.

5 વર્ષમાં સેન્સેક્સ-નિફ્ટી કરતાં આપ્યું વધુ વળતર

વર્ષ 2018માં NSEનો નિફ્ટી 11000 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો અને હવે 17100 પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે નિફ્ટીએ આ સમયગાળામાં માત્ર 55% વળતર આપ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 2018માં સેન્સેક્સ 33000 પોઈન્ટની નજીક હતો, જે હવે 58000ની નજીક છે, એટલે કે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું છે. પરંતુ સોનાએ સેન્સેક્સ અને નિફ્ટી કરતાં 100% વધુ વળતર આપ્યું છે.