×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેલવે પરીક્ષામાં ધાંધલી વિરૂદ્ધ બિહાર બંધ, પ્રદર્શનકારીઓએ રસ્તા જામ કર્યા, ટ્રેનો રોકી, ટાયર સળગાવ્યા


- આઈસાના વિદ્યાર્થીઓએ દરભંગા ખાતે ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન રોકી 

નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી, 2022, શુક્રવાર

રેલવે પરીક્ષામાં ધાંધલીના વિરોધમાં બિહાર વિપક્ષે આજે બંધનું એલાન કર્યું છે. વિદ્યાર્થી સંગઠનોને બંધમાં મહાગઠબંધનનો સાથ મળ્યો છે. આ તરફ કોચિંગ સંચાલક ફૈઝલ ખાને વિદ્યાર્થીઓને પ્રદર્શન ન કરવા વિનંતી કરી છે. સમગ્ર બિહારમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ આજે સમગ્ર બિહારમાં રસ્તાઓ જામ કર્યા, ટ્રેનો રોકી અને ટાયરો સળગાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, રેલવે ભરતી બોર્ડ NTPC (Non Technical Popular Categories) પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિને લઈ વિદ્યાર્થીઓએ આજે બિહાર બંધનું આહ્વાન કર્યું છે. લેફ્ટના વિદ્યાર્થી સંગઠન AISA દ્વારા જાહેર કરવામાં આવેલા બંધને બિહારની વિપક્ષી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું છે. જેડીયુ અધ્યક્ષ લલન સિંહે પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં ટ્વિટ કરી છે. બંધને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષા માટે પોલીસ હાઈ એલર્ટ પર છે. બિહાર અને રેલવે પોલીસે આ માટે પૂરતી તૈયારી કરી રાખી છે. 

આ બધા વચ્ચે પટનાના પ્રખ્યાત ખાન સરે વીડિયો જાહેર કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું પ્રદર્શન ન કરવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓના પ્રદર્શન અને હંગામા બાદ ખાન સર સહિત અનેક કોચિંગ સંચાલકો પર પણ FIR દાખલ કરવામાં આવી હતી. 

આઈસાના વિદ્યાર્થીઓએ દરભંગા ખાતે ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન રોકી હતી. બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધનમાં સામેલ રાજદ, કોંગ્રેસ, ભાકપા અને માકપાએ ગુરૂવારે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, બિહારમાં દેશના સૌથી વધારે યુવાનો છે અને અહીં બેરોજગારી દર સૌથી ઉંચો છે. કેન્દ્ર અને બિહાર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. સરકારો તેમના માટે નોકરીઓના વચન આપે છે પરંતુ જ્યારે તેઓ નોકરીની માગણીને લઈ રસ્તા પર ઉતરે છે ત્યારે નીતિશ કુમાર સરકાર તેમના પર લાકડીઓ વરસાવે છે.