×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેમડેસિવિર પર રાજકારણ : રુપાણી કહે છે ઇંજેક્શન ક્યાંથી આવ્યા તે પાટિલને પુછો, પાટિલ કહે છે હું પોતાની રીતે લાવ્યો

અમદાવાદ, તા. 10 એપ્રિલ 2021, શનિવાર

ગુજરાતમાં એકબાજુ કોરોનના પ્રકોપ વચ્ચે રેમડેસિવિર ઇંજેક્શનની અછત સર્જાઇ છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ક્યાંય પણ આ ઇંજેક્શન ઉપલબ્ધ નથી. લોકો ઇંજેક્શન માટે 300 કિમીના ધક્કા ખાઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ગઇ કાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે 5000 રેમડેસિવિર ઇંજેક્શન મફતમાં વિતરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજ સવારથી સુરતના ભાજપ કાર્યાલય ખાતે તેમણે ઇંજેક્શનનું વિતરણ શરુ પણ કરી દીધું છે.

ત્યારે આ સમગ્ર ઘટના અંગે અત્યારે લોકો સરકાર તેમજ સી આર પાટિલને આકરા સવાલો પુછી રહ્યા છે. જો કે આ સવાલનો જવાબ કોઇ પાસે નથી. જનતા સી આર પાટિલ અને ગુજરાત સરકારને પુછે છે કે જો સરકારી હોસ્પિટલો અને મેડિકલમાં ક્યાંય પણ રેમડેસિવિર ઇંજેક્શન ઉપલબ્ધ ના હોય તો સી આર પાટિલ પાસે 5000 ઇંજેક્શન કઇ રીતે આવ્યા? ત્યાં સુધી કે લોકો તો સોશિયલ મીડિયામાં દાવો કરી રહ્યા છે કે સી આર પાટિલને ઇંજેક્શન આપવા રાજ્યમાં રેમડેસિવિરની કૃત્રિમ અછત સર્જાઇ છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને આ અંગે સવાલ પુછતા તેમણે કહ્યું કે ‘સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સીધો સવાલ સી.આરને પૂછો. સુરતમાં સરકાર જે ઇન્જેક્શન મોકલી રહી છે તેનું સી.આરના પાંચ હજાર ઇન્જેક્શન સાથે કોઇ જ કનેક્શન નથી. 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો.’ તો બીજી તરફ આ અંગે વિવાદ વધતા ખુદ સી આર પાટિલે પણ ખુલાસો કર્યો છે. સી આર પાટિલે કહ્યું કે ‘હું પોતાની રીતે રેમડેસિવિર ઇન્જેક્શન લાવ્યો છું. રાજ્ય સરકારે કોઇ જ મદદ નથી કરી. સુરતના સેવાભાવી લોકોએ 5 હજાર ઇન્જેક્શન ખરીદ્યાં છે.’

આ સિવાય પાટિલે ખરીદેલા ઇન્જેક્શન મામલે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ પણ આપ્યાં છે. લોકો સવાલ પુછી રહ્યા છે કે સરકાર કરતા પક્ષ મોટો છે? લોકો બે બે દિવસ લાઇનમાં ઉઙઆ રહે છે અને કાળા બજારના ભાવ આપવા તૈયાર છે, છતા તેમને ઇંજેક્શન મળતા નથી. જ્યારે સી આર પાટિલને 5000 ઇંજેક્શન મળી રહે છે. કોંગ્રેસે પણ આ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે હવે ઇંજેક્શન માટે પણ લોકોએ મેડિકલના બદલે ભઆજપના કાર્યાલયે જવાનું?