×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેમડેસિવિર જાદુઈ દવા નથી, તેનાથી મૃત્યુદર ઘટશે નહીંઃ હેલ્થ નિષ્ણાતો



(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૯
કોરોનાના દર્દીઓને સાજા કરવામાં રેમડેસિવિર અસરકારક સાબિત થઈ રહી હોવાથી કોરોનાના કેસ વધ્યા પછી તેની ડિમાન્ડ વધી ગઈ હતી. તેના કારણે દેશભરમાં આ દવાની અછત ઉભી થયાની ફરિયાદ પણ ઉઠી છે.
એ દરમિયાન એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે રેમડેસિવિર કોરોનાના ગંભીર દર્દીઓની સ્થિતિ થોડીક સુધારી શકે છે, પરંતુ રેમડેસિવિર કોરોનાનો અક્સિર ઈલાજ નથી. રેમડેસિવિર કોઈ જાદુઈ દવા નથી, તેનાથી મૃત્યુદર ઘટી જશે એવી આશા રાખવી ન જોઈએ.
રેમડેસિવિરની જે માગ ઉભી થઈ છે તે મુદ્દે તેમણે કહ્યું હતું કે ડોક્ટર્સની સલાહ પ્રમાણે અને માત્ર ગંભીર સ્થિતિમાં જ તેનો ડોઝ આપવો હિતાવહ છે. રેમડેસિવિર એટલા માટે ઉપયોગમાં લેવાય છે કે અત્યારે કોરોના સામે આપણી પાસે ખૂબ જ અસરકારક હોય એવી એન્ટિ વાયરલ દવા નથી. ખરું જોતાં તો રેમડિસિવિરની ભૂમિકા કોરોનામાં ખૂબ જ મર્યાદિત છે.
એઈમ્સના નિષ્ણાત ડોક્ટરના કહેવા પ્રમાણે આ દવા શરૃઆતમાં કે કોરોનાની સારવાર દરમિયાન આપવી હિતાવહ નથી. માત્ર ને માત્ર ગંભીર સ્થિતિમાં દર્દીનું ઓક્સિજન લેવલ વધારવા કે ફેફસામાં સંક્રમણ ઘટાડવા જ તેનો  પ્રયોગ કરવો જોઈએ.
નીતિ આયોગના હેલ્થ મેમ્બર વી. કે પૌલે કહ્યું હતું કે ઘરમાં જે દર્દીઓની સારવાર શક્ય છે એવા દર્દીઓને રેમડેસિવિર આપી શકાય નહીં. હોસ્પિટલમાં ગંભીર સ્થિતિ સામે ઝઝૂમતા દર્દીઓને જ તે આપવી જોઈએ.
દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે રેમડેસિવિરનું ઉત્પાદન પૂરતી માત્રામાં થઈ રહ્યું છે અને અત્યારે કોઈ જ અછત નથી. પરંતુ તે ડોક્ટર્સની સલાહ પછી જ દર્દીને આપી શકાય એવી દવા હોવાથી તેનો સાર્વત્રિક ઉપયોગ કરવો ન જોઈએ.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સતત રેમડેસિવિરની અછત ન હોવાનું કહે છે, પરંતુ હકીકતે રેમડેસિવિર ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. કાળા બજાર થઈ રહ્યાં હોવાથી લઈને લાંબી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ રેમડેસિવિર ન મળતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે.