×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેપો રેટમાં 0.35 ટકાનો વધારો : હોમ સહિતની લોન મોંઘી થશે


- રેપો રેટ 5.90 ટકાથી વધીને 6.25 ટકા : ઓગસ્ટ, 2018 પછીની સૌથી ઉંચી સપાટી

- ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ ફુગાવો 6.7 ટકા રહેશે : આરબીઆઇએ ચાલુ વર્ષનો જીડીપીનો અંદાજ સાત ટકાથી ઘટાડી 6.8 ટકા કર્યો

- ચાલુ વર્ષે નાણાકીય વર્ષમાં પાંચ વખત રેપો રેટમાં  કરાયેલા વધારામાં કુલ 2.25 ટકાનો વધારો કરાયો

- માર્ચ, 2023થી ફુગાવો 6 ટકાની નીચે જશે

મુંબઇ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ચાલુ વર્ષે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આરબીઆઇએ આજે રેપો રેટમાં ૦.૩૫ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ રેપો રેટ ૫.૯૦ ટકાથી વધીને ૬.૨૦ ટકા થઇ ગયો છે. આ સાથે જ હોમ સહિતની તમામ લોન મોંઘી થઇ જશે. મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક પછી આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસે આજે નીતિગત વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

ચાલુ વર્ષે આ અગાઉ ચાર વખત રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ વખત રેપો રેટમાં ૦.૪૦ ટકા ત્યારબાદ સતત ત્રણ વખત ૦.૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આજના વધારા સાથે ચાલુ વર્ષે રેપો રેટમાં કુલ ૨.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 

આરબીઆઇના અંદાજ મુજબ માર્ચમાં સમાપ્ત થનારા ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો ૬.૭ ટકા રહેશે. આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષનો જીડીપીનોે અંદાજ સાત ટકાથી ઘટાડી ૬.૮ ટકા કર્યો છે. દાસે જણાવ્યું હતું કે ફુગાવો ધીમે ધીમે ઘટી રહ્યો છે અને ફુગાવાના સૌથી ખરાબ દિવસો પસાર થઇ ગયા છે. આરબીઆઇના અંદાજ મુજબ માર્ચ, ૨૦૨૩ સુધીમાં ફુગાવો ઘટીને ૬ ટકાની નીચે આવી જશે. સતત ઊંચા પ્રવર્તી રહેલા ફુગાવાને નિયંત્રણમાં લાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે રેપો રેટમાં ૩૫ બેઝિસ પોઈન્ટનો  વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. વર્તમાન નાણાં વર્ષના મેથી અત્યારસુધીના આઠ મહિનામાં રિઝર્વ બેન્કે  રેપો રેટમાં પાંચમી વખત વધારો કર્યો છે.  બેન્કો જે દરે રિઝર્વ બેન્ક પાસેથી નાણાં મેળવે છે, તેને રેપો રેટ અથવા તો વ્યાજ દર કહેવાય છે. આજના વધારા સાથે કુલ વ્યાજ દર હવે ૬.૨૫ ટકા થયો છે, જે ૨૦૧૮ના ઓગસ્ટ બાદ સૌથી ઊંચો  છે. 

વર્તમાન નાણાં વર્ષમાં વ્યાજ દરમાં કુલ ૨.૨૫ ટકાનો વધારો કરાયો છે. જો કે દેશમાં વિકાસને ગતિ આપવા એમપીસીએ રેપો રેટમાં વધારો કરવાની માત્રા ધીમી કરી છે. જુન, ઓગસ્ટ તથા સપ્ટેમ્બરની છેલ્લી ત્રણ બેઠકમાં  રેપો રેટમાં ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરાયો હતો અને મેમાં ૪૦ બેઝિસ પોઈન્ટ વધારાયા હતા. વ્યાજ દરમાં વધારો કરાતા લોન્સ માટેના ઈએમઆઈમાં વધારો થશે એટલું જ નહીં હોમ લોન્સ સહિતની લોન્સના વ્યાજ દર ફરી વધશે. એમપીસીના છ સભ્યોમાંથી પાંચ સભ્યએ વ્યાજ દરમાં ૩૫ બેઝિસ પોઈન્ટ વધારવાની તરફેણ કરી હતી.  ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસીએ વર્તમાન નાણાં વર્ષ માટે રિટેલ ફુગાવાની  ૬.૭૦ ટકાની ધારણાં જાળવી રાખી હતી, જ્યારે આર્થિક વિકાસ દર (જીડીપી) અંદાજ સાત ટકા પરથી ઘટાડી ૬.૮૦ કરાયો છે. વર્તમાન નાણાં વર્ષનો ફુગાવો  બે ટકા ઉપર-નીચે સાથે  રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટ કરતા ઘણો ઊંચો છે.  ફુગાવો નીચામાં બે ટકા તથા ઉપરમાં ૬ ટકા  સુધી જાળવવા રિઝર્વ બેન્કને છૂટ અપાયેલ છે. 

આગામી ૧૨ મહિના સુધી ફુગાવો ચાર ટકા કરતા ઉપર રહેશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું. 

આજના મંદ વૈશ્વિક વાતાવરણ વચ્ચે ભારતનો ૬.૮૦ ટકાનો અંદાજ મજબૂત કહી શકાય એમ છે. ફુગાવા પર રિઝર્વ બેન્કની સતત નજર રહેલી છે  અને આવી રહેલા ડેટાની રોજેરોજ સમીક્ષા કરવામાં આવી રહી છે. ફુગાવા પર અમારી અર્જુનની આંખની જેમ નજર છે અને તે પ્રમાણે નિર્ણય લેવા સજ્જ છીએ એમ  ગવર્નરે જણાવ્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક માટે જીડીપીની ધારણાં ૪.૬૦ ટકાથી ઘટાડી ૪.૪૦ ટકા કરાઈ છે જ્યારે ચોથા ત્રિમાસિક માટે ૪.૨૦ ટકા મૂકવામાં આવી છે. નાણાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક માટે જીડીપી અંદાજ ૭.૨૦ ટકાથી ઘટાડી ૭.૧૦ ટકા કરાયો છે. બીજી બાજુ   વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક માટે ફુગાવાનો  અંદાજ ૬.૫૦ ટકાથી વધારી ૬.૬૦ ટકા કરાયો છે,જ્યારે ચોથા ત્રિમાસિક માટે  ૫.૮૦ ટકાથી વધારી ૫.૯૦ ટકા કરાયો છે, અને નાણાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક માટે ફુગાવાનો દર પાંચ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. વિકાસને ટેકો પૂરો પાડવા સાથે આગળ જતા  ફુગાવો ટાર્ગેટની અંદર રહે તેની ખાતરી રાખવા એમપીસીના ૬માંથી ૪ સભ્યોએ એકોમોડેશન વલણ પાછું ખેંચવા પર ધ્યાન કેન્દ્રીત રાખવા પર ભાર આપ્યો હતો. 

રિઝર્વ બેન્કની નાણાં નીતિની સમીક્ષા બેઠકના મુખ્ય મુદ્દા

- રેપો રેટ ૩૫ બેઝિસ પોઈન્ટ વધારી ૬.૨૫ ટકા કરાયો. ૨૦૧૮ના ઓગસ્ટ બાદ વ્યાજ દર હાલમાં સૌથી ઊંચે

- વિકાસને ગતિ આપવા એમપીસીએ રેપો રેટમાં વધારો કરવાની માત્રા ધીમી કરી 

- વર્તમાન નાણાં  વર્ષ માટે ફુગાવાનો ૬.૭૦ ટકાનો ઊંચો દર જાળવી રખાયો

- જીડીપી અંદાજ સાત ટકા પરથી ઘટાડી ૬.૮૦ ટકા કરાયો

- આગામી ૧૨ મહિના સુધી ફુગાવો ચાર ટકા કરતા ઉપર રહેવાની ધારણાં

- માર્ચ, ૨૦૨૩થી ફુગાવો ૬ ટકાની નીચે જવાની શક્યતા

- ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ ફુગાવો ૬.૭ રહેવાનો અંદાજ

- ફોરેક્સ રિઝર્વ ૫૫૧.૨૦ અબજ ડોલરની સપાટીએ સંતોષજનક