×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રૂ.1000 કરોડનું જમીન કૌભાંડ : ચેક બુકના કારણે સંકટમાં પડ્યા આ મુખ્યમંત્રી, EDએ મોકલ્યું સમન્સ

નવી દિલ્હી, તા.08 ઓગસ્ટ-2023, મંગળવાર

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - EDએ આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ જમીન કૌભાંડ મામલે આ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી સોરેન પર લગભગ 1000 કરોડ રૂપિયાના જમીન કૌભાંડનો આરોપ છે. આ મામલે ઈડીએ અગાઉ પંકજ મિશ્રાની ધરપકડ કરી હતી, જે સોરેનના નજીકના હોવાનું કહેવાય છે. હવે આ મામલે ઈડીએ સોરેનને 14 ઓગસ્ટે પુછપરછ માટે સમન્સ મોકલ્યું છે.

જમીન કૌભાંડ મામલે 13 લોકોની ધરપકડ

અગાઉ આ મામલે સોરેનને 18 નવેમ્બર-2022ના રોજ પુછપરછ માટે બોલાવાયા હતા અને લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાંચીના પૂર્વ ડેપ્યુટી કમિશનર છવિ રંજન, કોલકાતાના ઉદ્યોગપતિ અમિત અગ્રવાલ, ન્યુક્લિયસ મોલના માલિક અને બિઝનેસમેન બિષ્ણુ અગ્રવાલના નામ સામેલ છે.


શું છે સમગ્ર મામલો ?

રાંચીમાં સેનાના કબજાવાળી જમીનના સંબંધમાં ટેક્સ કમિશનરે સરકારને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં કહેવાયું છે કે, નકલી નામ અને સરનામાના આધારે સેનાની જમીન પર ગેરકાયદે કબજો કરાયો છે. રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. નવેમ્બર-2022માં ઉદ્યોગપતિ વિષ્ણુ અગ્રવાલ, અમિત અગ્રવાલના ઠેકાણાંઓ પર દરોડા પડાયા હતા, જેમાં EDને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા હતા.

કૌભાંડમાં મુખ્યમંત્રી સોરેનનું નામ કેવી રીતે જોડાયું ?

વાસ્તવમાં 8 જુલાઈ-2022ના રોજ મુખ્યમંત્રીના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઈડીને સીએમ હેમંત સોરેનના બેંક એકાઉન્ટ સંબંધીત ચેક બુક મળી હતી. ત્યારબાદ તેમનું નામ આ કેસમાં જોડવામાં આવ્યું... હવે ઈડીએ તેમને 14 ઓગસ્ટે પુછપરછ માટે બોલાવ્યા છે.