×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રિશિ સુનકને હરાવી લિઝ ટ્રસ બ્રિટનનાં નવા વડાંપ્રધાન બન્યાં


- માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનનાં ત્રીજા મહિલા વડાપ્રધાન

- રિશિ સુનકને 60,399 અને લિઝ ટ્રસને 81,326 મતો મળ્યાં કન્ઝર્વેટિવ પાર્ટીના કુલ રજિસ્ટર મતદારોમાંથી 82 ટકાએ મતદાન કર્યું 

લંડન : ભારતીય મૂળના રિશિ સુનકને હરાવીને લિઝ ટ્રસ બ્રિટનનાં નવા વડાંપ્રધાન બન્યાં છે. લિઝ ટ્રસને કન્ઝર્વેટિવ સભ્યોના ૮૧૩૨૬ મતો મળ્યા હતા. રિશિ સુનકને કન્ઝર્વેટિવના ૬૦,૩૯૯ સભ્યોએ મત આપ્યાં હતાં. બંને વચ્ચે બ્રિટનના વડાપ્રધાન બનવા માટે બરાબરીનો મુકાબલો થયો હતો. કુલ ૧,૭૨,૪૩૭ કન્ઝર્વેટિવ સભ્યોએ મતદાન કર્યું હતું. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં.

ભારતીય મૂળના રિશિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર બનવા માટે રસાકસીભર્યો મુકાબલો થયો હતો. બોરિસ જ્હોન્સનનું સ્થાન લેવા માટે થયેલા આ મતદાનમાં રિશિ સુનકનો પરાજય થયો હતો અને લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યાં હતાં. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં. લિઝ ટ્રસની ઈમેજ બ્રિટનના રાજકારણમાં ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છે. બે મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શરૂઆતી રાઉન્ડમાં રિશિ સુનક બધા ઉમેદવારોથી આગળ રહ્યા હતા. ફાઈનલ પાંચમા રાઉન્ડમાં માત્ર બે ઉમેદવારો રહ્યા એ પછી કન્ઝર્વેટિવ પાર્ટીના રજિસ્ટર સભ્યો મતદાનથી આગામી વડાપ્રધાન ચૂંટી કાઢવાના હતા. એ માટે બંને ઉમેદવારો વચ્ચે ડિબેટ થઈ હતી અને બંને ઉમેદવારોએ પોતાની યોજનાઓ, આર્થિકનીતિ, વિદેશીનીતિ મતદારો સમક્ષ રજૂ કરી હતી.

છેલ્લાં ઘણાં સર્વેક્ષણોમાં દાવો થતો હતો કે રિશિ સુનક લિઝ ટ્રસ કરતા પાછળ છે. લિઝ ટ્રસની ટેક્સ માફીની નીતિથી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો પ્રભાવિત થયા હતા અને તેમની લોકપ્રિયતા વધી હતી. આખરે પરિણામ પણ અપેક્ષા પ્રમાણે જ આવ્યું હતું. બંને વચ્ચે બરાબરીની ટક્કર થઈ હતી. બે લાખ મતદારોમાંથી ૧,૭૨,૪૩૭ મતદારોએ વોટિંગ કર્યું હતું, તેમાંથી લિઝ ટ્રસને ૮૧૩૨૬ જ્યારે રિશિ સુનકને ૬૦૩૯૯ મતો મળ્યા હતા. 

નવા વડાપ્રધાન બન્યાં પછી લિઝ ટ્રસે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધતી વખતે રિશિ સુનક વિશેકહ્યું હતું ઃ હું સદ્ભાગ્યશાળી છું કે મારી પાર્ટીમાં આટલી ગહેરી સમજદારી ધરાવતા નેતા છે. લિઝ ટ્રસે ૨૦૨૪ની ચૂંટણીમાં પાર્ટીને ફરીથી વિજેતા બનાવવાન નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોનો પણ તેમણે ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લિઝ ટ્રસને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં આંતરિક વિરોધ ઉઠયો એ પછી બોરિસ જ્હોન્સને ૭મી જુલાઈએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. એ પછી કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ્હોન્સનના સ્થાને નવા વડાપ્રધાનની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. બ્રિટનમાં વડાપ્રધાનપદની રેસ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય મૂળના નેતા બનીને રિશિ સુનકે ઈતિહાસ સર્જ્યો છે.

રાણી એલિઝાબેથના કાર્યકાળમાં 15મા વડાપ્રધાન શપથ ગ્રહણ કરશે

રાણી એલિઝાબેથના લાંબાં કાર્યકાળમાં બ્રિટનને ૧૫ વડાપ્રધાનો મળ્યા છે. રાણી એલિઝાબેથે અત્યાર સુધીમાં ૧૪ વડાપ્રધાનોને શપથ લેવડાવ્યા છે. લિઝ ટ્રસને શપથ લેવડાવશે એ સાથે રાણી એલિઝાબેથ તેમના શાસનકાળમાં ૧૫મા વડાપ્રધાનને શપથ લેવડાવશે.

 ચર્ચિલ ૧૯૫૧થી ૧૯૫૫ દરમિયાન વડાપ્રધાન બન્યા ત્યારે રાણી એલિઝાબેથે પ્રથમ વખત વડાપ્રધાનને શપથ લેવડાવ્યા હતા. લિઝ ટ્રસ ૧૫મા વડાપ્રધાન છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરને શપથ લેવડાવ્યા હતા. એ પછી ૨૦૧૬માં બીજા મહિલા વડાપ્રધાન થેરેસા મેને શપથ ગ્રહણ કરાવ્યા હતા. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બનશે.