×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીને જાનથી મારવાની ધમકી : લેટરમાં બોમ્બ વિસ્ફોટ, રમખાણ, રાજીવ ગાંધીનો ઉલ્લેખ

નવી દિલ્હી,તા.18 નવેમ્બર-2022, શુક્રવાર

ઈન્દોરમાં એક દુકાન પર ચોંકાવનારો લેટર મળ્યો છે. લેટરમાં ખાલસા કૉલેજમાં યોજાનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભામાં હુમલાની ધમકી અપાઈ છે. સાથે જ ઈન્દોરમાં બોંબ ધડાકાઓ કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે. સરનામાં પર પત્ર મોકલનાર વ્યક્તિની જગ્યાએ રતલામના બીજેપી ધારાસભ્ય ચેતન કશ્યપનું નામ લખાયું છે.

28મી નવેમ્બરે ઈન્દોરમાં રાહુલ ગાંધીની સભા

આ ઘટનાની જાણ થતાં જ પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે. એડિશનલ ડીસીપી પ્રશાંત ચૌબેએ જણાવ્યું કે, ધમકી આપનાર અજાણ્યા આરોપીની શોધખોળ કરાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 23 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરી રહી છે. 28મી નવેમ્બરે ઈન્દોરમાં રાહુલ ગાંધીની સભા યોજાવાની છે.

જાણો પત્રમાં શું લખ્યું ?

પત્રમાં સૌથી ઉપર વાહે ગુરુ લખાયું છે, ત્યારબાદ નીચેની બાજુએ લખ્યું છે... 1984માં આખા દેશમાં ભયંકર રમખાણો થયા. શીખોની હત્યા કરાઈ. કોઈપણ પક્ષે આ અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો નથી. (ત્યારબાદ અહીં કોંગ્રેસ નેતા કમલનાથ વિરુદ્ધ વાંધાજનક શબ્દો લખાયા છે...)

પત્રમાં આગળ લખાયું છે કે, નવેમ્બરના છેલ્લા મહિનામાં ઈન્દોરમાં વિવિધ સ્થળોએ ભયંકર બોમ્બ વિસ્ફોટ થશે. બોમ્બ વિસ્ફોટોથી આખું ઈન્દોર હચમચી જશે. ટૂંક સમયમાં જ રાહુલ ગાંધીની ઈન્દોર મુલાકાત દરમયિાન કમલનાથને પણ ગોળી મારી દેવાસે. રાહુલ ગાંધીને પણ રાજીવ ગાંધી પાસે મોકલી દેવામાં આવશે.

અન્ય એક પેજમાં લખ્યું છે... નવેમ્બર 2022ના છેલ્લા અઠવાડિયામાં આખું ઈન્દોર બોમ્બ વિસ્ફોટથી હચમચી ઉઠશે. રાજબાડાને ખાસ ટાર્ગેટ કરાશે. પત્રની સૌથી નીચે કોઈ જ્ઞાનસિંહનું નામ લખેલું છે. આ સાથે પત્રમાં ઘણા મોબાઈલ નંબર પણ લખેલા છે. પત્રની સાથે આધાર કાર્ડની ફોટોકોપી પણ મોકલાઈ છે.

ભાજપ તમામ યુક્તિઓ અપનાવી રહી છે : કમલનાથનો આક્ષેપ

રાહુલ ગાંધી અને તેમની યાત્રાને મળેલી ધમકી પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, યાત્રાની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. આ મામલે હું મુખ્યમંત્રીને મળી ચૂક્યો છું. આ ધમકીઓનો મામલો પોલીસે જોવાને છે. સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પોલીસ પ્રશાસનના હાથમાં છે. ભાજપ ગભરાયેલી છે અને તમામ યુક્તિઓ અપનાવી રહી છે.