×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહતના સમાચાર! સુદાનમાં 7 દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત, બંને પક્ષકારો વચ્ચે સધાઈ સહમતિ

image : Twitter


યુદ્ધગ્રસ્ત સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએફ વચ્ચે સાત દિવસના યુદ્ધવિરામ પર સહમતિ બની છે. યુદ્ધવિરામ 4 મેથી અમલમાં આવશે અને 11 મે સુધી ચાલશે. આ જાહેરાત સુદાનમાં ફસાયેલા વિદેશી નાગરિકોની બચાવ કામગીરીને વેગ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે સુદાનમાં સત્તા પર કબજો કરવા માટે સેના અને અર્ધસૈનિક દળ વચ્ચે લડાઈ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી લગભગ 400 લોકો માર્યા ગયા છે.

અમેરિકાએ તેના 1000 નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢ્યા 

સુદાનમાં હિંસા શરૂ થયા બાદ અમેરિકાએ અત્યાર સુધીમાં તેના લગભગ 1000 નાગરિકોને બહાર કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે બહુરાષ્ટ્રીય પ્રયાસના ભાગરૂપે આ નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 200 અમેરિકી અધિકારીઓ કટોકટીની શરૂઆતથી તેમના નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.

એક લાખથી વધુ લોકો સ્થળાંતર કરવા મજબૂર 

સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધે અત્યાર સુધીમાં એક લાખ લોકોને પોતાનું ઘર છોડીને સરહદ પાર પલાયન કરવાની ફરજ પડી છે. યુદ્ધવિરામના ઉલ્લંઘનમાં રાજધાની ખાર્તુમમાં તોપમારો અને બોમ્બ ધડાકા વચ્ચે યુએનના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, ત્રણ અઠવાડિયાથી ચાલતું ગૃહયુદ્ધ માનવતાવાદી સંકટમાં ફેરવાઈ રહ્યું છે. સુદાનના ગરીબ પાડોશી દેશો શરણાર્થી સંકટનો સામનો કરી રહ્યા છે. ગૃહ યુદ્ધે સુદાનમાં સહાયની અવરોધી છે, જ્યાં બે તૃતીયાંશ વસ્તી પહેલેથી જ બહારની સહાય પર નિર્ભર હતી. સંયુક્ત રાષ્ટ્ર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં પૂર્વ આફ્રિકાના નિર્દેશક માઈકલ ડનફોર્ડે કહ્યું કે  જોખમ એ છે કે આ માત્ર સુદાનની કટોકટી નથી, તે હવે પ્રાદેશિક સંકટ બનવા જઈ રહ્યું છે. 

ભારતે તેના દૂતાવાસને ખાર્તુમથી પોર્ટ સુદાનમાં શિફ્ટ કર્યો

સુદાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતે હિંસાગ્રસ્ત રાજધાની ખાર્તુમથી પોર્ટ સુદાનમાં અસ્થાયી રૂપે તેના દૂતાવાસને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ખાર્તુમ શહેર પર થયેલા હુમલા અને સુદાનમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દૂતાવાસને અસ્થાયી રૂપે ખાર્તુમથી પોર્ટ સુદાનમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.