×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ બીજા રાઉન્ડ સુધીમાં દ્રૌપદી મુર્મૂને યશવંત સિંહાથી બમણા કરતા વધુ મત


- સાંસદોના મતની ગણતરીમાં કુલ 748 મત પડ્યા હતા જેમાંથી દ્રૌપદી મુર્મૂને 540 મત મળ્યા હતા જ્યારે યશવંત સિંહાને 208 મત મળ્યા હતા

નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2022, ગુરૂવાર

દેશના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ હવે મત ગણતરી ચાલી રહી છે. ત્યારે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જ્યાં સાંસદોના મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી તે રૂમ નંબર 63માં મત ગણતરી ચાલી રહી છે. 

બીજા તબક્કાની મત ગણતરી પૂર્ણ

બીજા તબક્કાની મત ગણતરીના પરિણામો સામે આવી ગયા છે. તેમાં મુર્મૂને 4,83,299 મૂલ્ય ધરાવતા મત મળ્યા છે જ્યારે સિંહાના મતનું મૂલ્ય 1,89,876 થાય છે. દ્રૌપદી મુર્મૂને અત્યાર સુધીમાં કુલ 1349 મત મળ્યા છે જ્યારે યશવંત સિંહાને 537 મત મળ્યા છે. 

સાંસદોના મતની ગણતરીમાં કુલ 748 મત પડ્યા હતા જેમાંથી દ્રૌપદી મુર્મૂને 540 મત મળ્યા હતા જ્યારે યશવંત સિંહાને 208 મત મળ્યા હતા. સાંસદોના મતમાંથી 15 સાંસદોના મત ઈનવેલિડ થયા હતા. મુર્મૂને મળેલા સાંસદોના કુલ મતની વેલ્યુ 3,78,000 છે. જ્યારે સિંહાને મળેલા સાંસદોના મતની વેલ્યુ 1,45,600 છે. 

વધુ વાંચોઃ સાંસદોના કુલ 748માંથી દ્રૌપદી મુર્મૂને મળ્યા 540 મત

ગત 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારથી જ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના વિજયની સંભાવનાઓ પ્રબળ જણાઈ રહી હતી. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષ તરફથી યશવંત સિંહાએ ઉમેદવારી નોંધાવી હતી. 

સંસદ ભવનમાં આજે સવારના 11:00 વાગ્યાથી જ મત ગણતરી શરૂ થઈ ગઈ હતી. તમામ રાજ્યની મતપેટીઓ સંસદ ભવન પહોંચી ગઈ હતી અને મતદાન અધિકારીઓએ સંસદના સ્ટ્રોંગ રૂમ, રૂમ નંબર 63માં મત ગણતરી કરી હતી. 

આ પણ વાંચોઃ જાણો દ્રૌપદી મુર્મૂની રાજકીય સફર વિશે

કઈ રીતે થઈ મતગણતરી

મત ગણતરી માટે સંસદ ભવનના રૂમ નંબર 63માં એક લાંબા ટેબલ પર નાની નાની પેટીઓ રાખવામાં આવી હતી. દરેક મતની વેલ્યુ અલગ-અલગ હોય છે માટે આ પેટીઓ દ્વારા તેમને વિભિન્ન કેટેગરીમાં વહેંચવામાં આવશે. 

અલગ-અલગ રાજ્યોની મતપેટીઓમાંથી મત બહાર કાઢીને તેમને 2 ટ્રેમાં જુદા પાડવામાં આવ્યા હતા. તેમાં એક ટ્રે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ માટેની જ્યારે બીજી ટ્રે વિપક્ષના યુપીએ ઉમેદવાર યશવંત સિંહાના નામની છે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બનાવાયેલા રિટર્નિંગ અધિકારી, રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ આ મતપત્રોની તપાસ કરી હતી. ત્યાર બાદ દ્રૌપદી મુર્મૂ તથા યશવંત સિંહાના પક્ષમાં રહેલા મતને અલગ કરવામાં આવ્યા હતા. એ જ રીતે તમામ સાંસદો, ધારાસભ્યોના મતોને અલગ વહેંચવામાં આવ્યા હતા. ત્યાર બાદ મતના મૂલ્ય પ્રમાણે તેમની ગણતરી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ દ્રૌપદી મુર્મૂઃ 2 જવાન દીકરાના મોત... પતિનું મોત... પરિવારમાં છે માત્ર એક દીકરી

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સંસદ ભવન સહિતના 31 સ્થળો તથા વિધાનસભાઓમાં 30 કેન્દ્રો પર મતદાન થયું હતું. અનેક રાજ્યોમાં મુર્મૂના પક્ષમાં 'ક્રોસ વોટિંગ' થયાના પણ સમાચારો આવ્યા હતા. નોમિનેટેડ સાંસદોને છોડીને સંસદના બંને સદનો લોકસભા અને રાજ્યસભાના સદસ્યો તથા તમામ રાજ્યોની વિધાનસભાના સદસ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરે છે.  

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 776 સાંસદો અને 4,033 ચૂંટાયેલા ધારાસભ્યો સહિત કુલ 4,809 મતદારો મતદાનને પાત્ર હતા. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે સોમવારે થયેલા મતદાન દરમિયાન 99 ટકાથી વધારે મતદારોએ પોતાનો મત આપ્યો હતો. 

આ પણ વાંચોઃ કોઇએ યશવંત સિંહાને કહેવાનું હતું કે પીછેહઠ કરીને આબરૂ બચાવે

આગામી 24 જુલાઈના રોજ દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે 25મી જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે.

આજે સવારથી જ દ્રૌપદી મુર્મૂના પૈતૃક ગામ ખાતે લોકોએ ઉજવણી શરૂ કરી દીધી હતી અને ગામમાં 20 હજાર લાડુ બનાવવામાં આવ્યા હતા. 

વધુ વાંચોઃ વિજય સરઘસ... આદિવાસી નૃત્ય... 20 હજાર લાડુ, દ્રૌપદી મુર્મુના વતનમાં ચાલી રહી છે ખાસ તૈયારીઓ