×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાવતનું ઉત્તરાખંડના સીએમપદેથી રાજીનામું, આજે નવા સીએમની જાહેરાત


(પીટીઆઈ) દેહરાદુન, તા. ૯

ત્રિવેન્દ્રસિંહ રાવતે મંગળવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપી દેતાં તેમની સામે લોકો, ધારાસભ્યો અને મંત્રીઓના અસંતોષના પગલે ભાજપ શાસિત રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અંગે કેટલાક દિવસથી ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે સોમવારે દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડ સાથેની મુલાકાત પછી દેહરાદુન આવી મંગળવારે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામુ આપી દીધું હતું. હવે બુધવારે વિધાનસભા પક્ષની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની પસંદગી થશે. 

રાજ્યપાલને રાજીનામુ આપ્યા પછી રાવતે જણાવ્યું હતું કે, પક્ષના મુખ્યાલયમાં બુધવારે ઉત્તરાખંડ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળશે, જેમાં તેમના ઉત્તરાધિકારીની પસંદગી થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમંત્રી ધનસિંહ રાવત ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. ઉપરાંત અજય ભટ્ટ અને અનિલ બાલુનિ પણ મુખ્યમંત્રી પદના અન્ય દાવેદારો છે. વધુમાં સતપાલ મહારાજે પણ આ મુદ્દે સંઘના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આમ, સતપાલ મહારાજ પણ રેસમાં હોવાનું મનાય છે.

રાજ્યપાલને રાજીનામુ આપતા પહેલાં ત્રિવેન્દ્રસિંહ રાવતે તેમના નિવાસસ્થાને કેબિનેટ મંત્રી મદન કૌશિક અને રાજ્ય મંત્રી ધનસિંહ રાવત સાથે બેઠક કરી હતી. ૧૭મી માર્ચે મુખ્યમંત્રી તરીકે રાવતનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થવાનો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના અનેક ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓની નારાજગીના પગલે ત્રિવેન્દ્રસિંહે મુખ્યમંત્રીની ખુરશી ગુમાવી છે.

ઉત્તરાખંડમાં ભાજપ સરકારના ચાર વર્ષ પૂરા થતા પહેલાં જ રાવત વિરુદ્ધ પક્ષ અને વિધાનમંડળ પક્ષમાં બળવાનું સંકટ સર્જાયું હતું. એવામાં ભાજપે નિરિક્ષકો તરીકે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને દુષ્યંત કુમાર ગૌતમને દેહરાદુન મોકલ્યા હતા. તેમણે પક્ષના ધારાસભ્યો સાથે બેઠક યોજી કેન્દ્રીય નેતાગીરીને એક રિપોર્ટ આપ્યો હતો. બંને નિરિક્ષકોએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે, ત્રિવેન્દ્રસિંહ રાવતની આગેવાનીમાં રાજ્યમાં ૨૦૨૨માં ચૂંટણી થશે તો પક્ષ માટે જીતવું મુશ્કેલ છે.

નિરિક્ષકોના અહેવાલ પછી ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ રાવતને રાજીનામુ આપવા આદેશ આપ્યો હોવાનું મનાય છે. જોકે, નિરિક્ષકોએ ત્રિવેન્દ્રસિંહ રાવત વિરુદ્ધ પક્ષમાં અને લોકોમાં અસંતોષ હોવાની વાત નકારી કાઢી હતી. તેમણે કહ્યું ત્રિવેન્દ્રસિંહ રાવત વરિષ્ઠ અને અનુભવી નેતા છે. તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે.