×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રામ મંદિર માટેની જમીન ખરીદીમાં કૌભાંડના આક્ષેપ, 2 કરોડની જમીનનું 18 કરોડ રુપિયામાં એગ્રીમેન્ટ

નવી દિલ્હી, તા. 13 જૂન 2021, રવિવાર

અયોધ્યાંમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં આવેલી જમીન પર સવાલ ઉઠવા લાગ્યા છે. જમીનની ખરીદીમાં કૌભાંડના આરોપ લાગ્યા છે. અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સમાજવાદી સરકારમાં રાજ્ય મંત્રી રહેલા તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ એક પ્રોસ કોન્ફરન્સ કરીને સવાલ ઉઠાવ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ જમીન ખરીદવામાં કથિત રીતે મોટા કૌભાંડ થયા હોવાનો આરોપ લગાવ્યો છે.

પવન પાંડેએ આરોપ લગાવ્યો છે કે 2 કરોડની જમીનને 18 કરોડમાં ખરીદવામાં આવી છે. આ જે એગ્રીમેન્ટ થયું છે તેમાં ટ્રસ્ટી અનિલ મિશ્રા અને મેયર ઋષિકેષ ઉપાધ્યાય સાક્ષી છે. 18 માર્ચ 2021ના દિવસે પહેલા વેચાણખત થયો અને 10 મિનિટ બાદ એગ્રીમેન્ટ થયું. જે જમીનને બે કરોડમાં વેચવામાં આવી, તે જમીનનું 10 મિનિટ બાદ સાડા 18 કરોડનું એગ્રીમેન્ટ કેમ થયું?

પવન પાંડેએ કહ્યું કે પાંચ મિનિટની અંદર જ 2 કરોડની જમીન 18 કરોડની કઇ રીતે થઇ? રામ મંદિરના નામે જમીન ખરીદી કરવાના બહાને રામ ભક્તોને છેતરવામાં આવી રહ્યા છે. પવન પાંડે આ અંગે સીબીઆઇ તપાસની માંગ કરી છે. પવન પાંડેએ કહ્યું કે 17 કરોડનું RTGS કરવામાં આવ્યું છે. ક્યા ક્યા એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવામાં આવ્યું છે તેની પમ તપાસ થવી જોઇએ. 

આમ આદમી પાર્ટીના સંજય સિંહે કહ્યું હતુ કે, ભગવાન શ્રીરામ જેના પ્રત્યે કરોડો લોકોની આસ્થા છે. જેના નામ પર ગરીબ ખેડૂતથી લઈને ફેક્ટ્રી મજૂરે પણ ઉદાર હાથે દાન આપ્યુ છે. કોઈ નહીં જાણતુ હોય હોય કે જે ટ્રસ્ટને દાન આપ્યુ છે, તેણે મસમોટુ કૌભાંડ કરી લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે કહ્યું કે કોઈ કલ્પના પણ કરી શકે નહીં કે, મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામના નામ પર કોઈ કૌભાંડો કરવાની હિમ્મત કરે, રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામ પર કરોડો રૂપિયા ચંપત રાયે હડપી લીધા છે.

સંજય સિંહે કહ્યું કે 2 કરોડની જમીન ખરીદી અને 18 કરોડનું એગ્રીમેન્ટ. આ બંનેમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સદસ્ય નિલ મિશ્ર સાક્ષી છે. તેમનું કહેવું છે કે આ રીતે હેરાફેરી કરીને દાનના પૈસામાં 16 કરોડનો ગોટાળો થયો છે. આ મની લોન્ડરિંગનો કેસ છે, જેથી સીબીઆઇ અને ઇડી પાસે તપાસ કરાવવી જોઇએ.