×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રામનવમી હિંસાઃ MPમાં તણાવ બાદ 3 વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો


- રામનવમીના પ્રસંગે જે સરઘસ નીકળ્યું તેમાં ડીજે વાગી રહ્યું હતું જેના અવાજ સામે વાંધો ઉઠાવીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો

ભોપાલ, તા. 11 એપ્રિલ 2022, સોમવાર

મધ્ય પ્રદેશના ખરગોન (Khargone) શહેરમાં રવિવારે રામનવમીના સરઘસ દરમિયાન હિંસા ભડક્યા બાદ શહેરના 3 ક્ષેત્રોમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. સરઘસ દરમિયાન ઉપદ્રવીઓ દ્વારા પથ્થરમારા અને આગજનીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. તેમાં કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના બાદ પ્રશાસને શહેરના 3 ક્ષેત્રોમાં કર્ફ્યુ લાગુ કરી દીધો છે અને સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસે સ્થિતિને નિયંત્રણ લેવામાં ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. 

પથ્થરમારા દરમિયાન પોલીસ અધિકારી સિદ્ધાર્થ ચૌધરી અને 2 અન્ય પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક સામાન્ય નાગરિકોને ઈજાઓ પહોંચી છે. ખરગોનના જિલ્લાધિકારી અનુગ્રહ પી.ના કહેવા પ્રમાણે સમગ્ર શહેરમાં CRPCની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 'તળાવ ચોક અને ટવડી સહિત શહેરના 3 વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.'

જાણવા મળ્યા મુજબ રામનવમીના અવસર પર જે સરઘસ કાઢવામાં આવ્યું તેની શરૂઆતમાં જ અલ્પસંખ્યકોની બહુમતી ધરાવતા ક્ષેત્રમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમાં પોલીસ કર્મચારી સહિત 3થી 4 લોકોને ઈજાઓ પહોંચી છે. પ્રભાવિત ક્ષેત્રમાં કર્ફ્યુની જાહેરાત કરી દેવામાં આવી છે અને લોકોને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. 

શહેરના તળાવ ચોક, ગૌશાળા માર્ગ, મોતીપુરા, સ્ટેડિયમની પાછળ, ટાવર ક્ષેત્રમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. 4 મકાનોમાં આગજનીની ઘટનાઓ બની છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. 

ઘટનાની વિગતો પ્રમાણે રામનવમીના પ્રસંગે જે સરઘસ નીકળ્યું તેમાં ડીજે વાગી રહ્યું હતું. મુસ્લિમ સમાજના લોકોએ ડીજેના અવાજને લઈ આપત્તિ વ્યક્ત કરી હતી અને પછી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ખરગોનના તળાવ ચોકથી ગૌશાળા માર્ગ પર શીતળા માતાના મંદિરમાં પણ તોડફોડની ઘટનાઓ સામે આવી છે. રામનવમીના સરઘસમાં ખરગોન શહેર ફરતે એક ચક્કર મારવાનું હતું પરંતુ હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તેને અડધા રસ્તે જ પૂરૂ કરી દેવામાં આવ્યું હતું.