×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રામચરિતમાનસ સળગાવીને સપાએ 100 કરોડ હિન્દુઓનું અપમાન કર્યું : યોગી


- રામચરિતમાનસ ફાડવા મુદ્દે વિધાનસભામાં યોગી ભડક્યા

- અખિલેશ પર પિતાનું સન્માન નહીં જાળવવાનો આક્ષેપ, રાજ્યમાંથી માફિયાઓનો સફાયો કરવાની યોગીની ચેતવણી

લખનઉ : ઉત્તર પ્રદેશમાં રામચરિતમાનસ અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દે આખરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભડક્યા હતા અને વિધાનસભા ગૃહમાં વિપક્ષ સમાજવાદી પક્ષને આડે હાથ લીધો હતો. તેમણે આક્રમક વલણમાં જણાવ્યું હતું કે રામચરિતમાનસની નકલો સળગાવીને સપાએ દુનિયાના ૧૦૦ કરોડ હિન્દુઓનું અપમાન કર્યું છે. કવિતાઓ મારફત સપા પર નિશાન સાધતા યોગી આદિત્યનાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ પર તેમના પિતા મુલાયમસિંહ યાદવનું સન્માન નહીં કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રના છઠ્ઠા દિવસે સમાજવાદી પક્ષની ઝાટકણી કાઢતા કહ્યું કે, તેમણે રામચરિતમાનસનો વિવાદ ઈરાદાપૂર્વક એવા સમયે ઊઠાવ્યો જ્યારે રાજ્યમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની તૈયારી ચાલી રહી હતી. રાજ્યમાં જેવી ઈન્વેસ્ટર્સ સમિટની તૈયારીઓ શરૂ થઈ તે સાથે ઈરાદપૂર્વક કેટલાક મુદ્દા ઉઠાવાયા. આખા દેશ અને દુનિયામાં આપણા મંત્રીઓની ટીમ જવા લાગી તો સપાએ પ્રખ્યાત ધાર્મિક ગ્રંથ રામચરિતમાનસ અને તુલસીદાસ અંગે એક નવો વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

તેમણે ઉમેર્યું કે, તુલસીદાસે જે કાળખંડમાં માનસ લખી હતી, તેમના જેવા સાધક અને સંતને સત્તાએ બોલાવ્યા હતા. અકબરે બોલાવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર રઘુવીરના ચાકર છે. તેમના માટે રાજા એકમાત્ર રામ છે. આવા તુલસીદાસને બદનામ કરવાનો પ્રયત્ન કરાયો છે. તેમના રામચરિતમાનસને ફાડવામાં આવી. તેમણે સવાલ કર્યો કે આવું અન્ય ધર્મ સાથે થયું હોત તો ફાડનારની શું સ્થિતિ થઈ હોત? એટલે કે જેની મરજી થાય તે હિન્દુઓનું અપમાન કરી લે. પોતાની મરજી મુજબ શાસ્ત્રોનું અર્થઘટન કરી લે. તમે આખા સમાજને અપમાનિત કરવા માગો છો. આ સાથે યોગી આદિત્યનાથે રામચરિતમાનસની વિવાદાસ્પદ પંક્તિનો અર્થ પણ સમજાવ્યો હતો.

તેમણે અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે વારસામાં સત્તા તો મળી શકે છે, પરંતુ બુદ્ધિ નહીં. આ લોકો રાજ્યને પાછું ઢકેલવા માગે છે. તેમના શાસનમાં એક જ જાતીને પ્રોત્સાહન મળ્યું. આ તેમનો સામાજિક ન્યાય છે. યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર પિતા મુલાયમ સિંહ યાદવને તેમના જીવનના પાછલા સમયમાં હાંસિયામાં ધકેલીને તેમનું સન્માન નહીં જાળવવાનો આક્ષેપ મૂક્યો હતો.

વધુમાં ગૃહમાં વિપક્ષના નેતા અખિલેશ યાદવે તાજેતરમાં જ ૨૦૦૫માં ભાજપના ધારાસભ્યની હત્યાના કેસના મુખ્ય સાક્ષીની હત્યાનો મુદ્દો ઊછાળીને રાજ્યમાં કાયદો-વ્યવસ્થા મુદ્દે મુખ્યમંત્રીને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, યોગી આદિત્યનાથે આક્ષેપ કર્યો કે સપાના શાસનમાં માત્ર ગૂનેગારોને આશ્રય જ નહોતો અપાયો, તેમને ધારાસભ્ય અને સાંસદ પણ બનાવી દેવાયા હતા, પરંતુ તેમની સરકાર માફિયાઓનો સફાયો કરી નાંખશે.