×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાતના અંધારામાં બગરામ એરબેઝથી રવાના થઈ ગયા અમેરિકન સૈનિકો, પછી થઈ લૂંટફાટ


નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની ઘરવાપસી થઈ રહી છે.

જોકે અમેરિકન સેનાએ જે રીતે અફઘાનિસ્તાનમાં પોતાના સૌથી મોટા બેઝ બગરામ એરબેઝનો કબ્જો જે રીતે છોડયો છે તેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં છે.અમેરિકન સૈનિકો રાતના અંધારામાં અફઘાન સેનાને જાણ કર્યા વગર જ ચૂપચાપ રવાના થઈ ગયા હતા.

જેના પગલે હવે અફઘાનિસ્તાનની  મુસિબત વધી ગઈ છે.કારણકે બગરામ એરબેઝ પર બનાવાયેલી કામચલાઉ જેલમાં હજારો તાલીબાની કેદીઓ છે અને અફઘાનિસ્તાની સેનાના જવાનો હવે એકલા છે.તેમને અહીંયા તાલિબાન દ્વારા હુમલો થાય તેવો ડર સતાવી રહ્યો છે.

11 સપ્ટેમ્બર સુધીમાં તમામ અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડી દેવાના છે.બગરામ એરબેઝ કાબુલથી 60 કિમી દુર આવેલુ છે.એક સમયે અહીંયા અમેરિકા અને તેના સહયોગી દેશોના હજારો સૈનિકો તૈનાત રહેતા હતા.20 વર્ષના યુધ્ધ દરમિયાન બગરામ એરબેઝ અમેરિકાનુ સૌથી મોટુ વ્યૂહાત્મક બેઝ રહ્યુ હતુ.

બગરામ એરબેઝના નવા અફઘાન કમાન્ડર જનરલ મિરાસદુદ્લાહ કોહિસ્તાનીએ કહ્યુ છે કે, અમારી સેના અમેરિકન સેના જેટલી મજબૂત હાલમાં નથી તે સ્વીકારવુ રહ્યુ.જોકે અમે અમારી ક્ષમતા પ્રમાણે લોકોની સેવા કરી રહ્યા છે.અમેરિકા દ્વારા સ્પષ્ટ રીતે અથવા પૂર્વ આયોજિત રીતે હેન્ડઓવર કરવામાં નથી આવ્યુ અને તેના કારણે અમારા પડકારો વધી રહ્યા છે.અમેરિકન સૈનિકો એરબેઝ છોડવાના છે તેની જાણકારી અમારી પાસે નહોતી.

દરમિયાન એવા પણ અહેવાલ આવ્યા છે કે, રાતના અંધારમાં અમેરિકન સૈનિકો એરબેઝ છોડી ગયા બાદ સ્થાનિક લોકો વહેલી સવારે એરબેઝની ઈમારતોમાં ઘૂસી ગયા હતા અને ભારે લૂંટફાટ કરી હતી.ત્યાં જે પણ વસ્તુઓ હતી તે લોકો લૂંટી ગયા હતા.આ વાતની જાણકારી મળ્યા બાદ અફઘાની સુરક્ષાદળો ત્યાં પહોંચ્યા હતા.