×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્ય સરકારે HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ 3000 રુપિયા નક્કી કર્યો, આજથી અમલી બનશે

અમદાવાદ, તા. 16 એપ્રિલ 2021, શુક્રવાર

કોરોના વાયરસની બીજી લહેરે ગુજરાત આખાને બાનમાં લીધું છે. તેવામાં હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ સરકાર હવે એક્શનમાં આવી હોય તેવું લાગી કહ્યું છે. રાજ્ય સરકાર એક બાદ એક મહત્વના નિર્ણયો લઇ રહી છે. જે કડીમાં રાજય સરકારે વધારે એક સંવેદનસીલ નિર્ણય કર્યો છે. કોરોના વાયરસની તપાસ માટે સીટી સ્કેન- HRCT THORAX જરુરી છે. જેના રાજ્યની અલગ અલગ લેબોરેટરી દ્વારા મનફાવે તેવા ભાવ લેવાતા હતા. ત્યારે રાજ્ય સરકારે તેના પર અંકુશ લગાવતો નિર્ણય કર્યો છે. 

ગુજરાત સરકારે દ્વારા સીટી સ્કેન- HRCT THORAX પરીક્ષણનો મહત્તમ ભાવ 3000 નક્કી કરવામાં આવ્યો છે. જેનો અમલ આજથી જ એટલે કે 16 એપ્રિલથી જ થશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે કોરોના અંગે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં આ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંગે જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. ત્યારે રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે. 

મુખ્યમંત્રીએ આગળ ક્હ્યું કે કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે. ગુજરાતના કોઇ પણ શહેરમાં કોઇ પણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેનના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે ધ્યાને આવશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.’

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, ‘કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.’ આ પહેલાં 15 એપ્રિલના રોજ આરોગ્ય વિભાગે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલાં દર્દીઓને સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન પણ આપવાનો નિર્ણય કર્યો હતો.