×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્ય સરકારે કરી મોટી ઘોષણા, હવે માત્ર 8 શહેરોમાં જ નાઇટ કર્ફ્યું, જાણો જાહેરાતની મહત્વની બાબતો

ગાંધીનગર, 8 જુલાઇ 2021 ગુરૂવાર

રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં નેતૃત્વમાં આજે યોજાયેલી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત રાજ્યમાં કોરોનાની સ્થિતી અંગે સમિક્ષા કરવામાં આવી, ત્યાર બાદ કોર કમિટીની એવો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે.

કોર કમિટીની આ બેઠકમાં ઉપ મુખ્ય મંત્રી નિતીન પટેલ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અધિક સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા. 

પહેલા રાજ્યનાં મોટા 8 શહેરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કર્ફ્યુ અમલમાં હતો તેમાંથી હવે 8 મહાનગરો પૂરતો જ આ રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. આ રાત્રી કર્ફ્યુ તા.10મી જુલાઇ-2021ના રાત્રે 10 કલાકથી તા. 20 જુલાઇ- 2021ના સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.

કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રી કર્ફ્યુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 09:00  કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.)

રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 09:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩1.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા  રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે. 

રાજ્યમાં જીમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.) તે જ પ્રકારે રેસ્ટોરેન્ટ્સ હોમ ડિલિવરીની સેવા રાત્રિના 12:00 કલાક સુધી ચાલુ રાખી શકશે. 

જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 07:00 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે. 

લગ્ન સમારોહ માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિઝિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજુરી રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકઠા થઇ શકશે.

ધો.9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ  સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.

શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

લાયબ્રેરીઓ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.)

 પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

 પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં  રમતગમત  ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.) 

થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.) જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.