×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં 1 લી મેથી 18થી 45 વર્ષની વયના લોકોને કોરોનાની રસી નિ:શુલ્ક લગાવવામાં આવશે

ગાંધીનગર, 25 એપ્રિલ 2021 રવિવાર

ગુજરાતમાં કોરોનાનાં હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે એક મહત્વપુર્ણ નિર્ણય લીધો છે, રાજ્યમાં આગામી 1લી મે થી શરૂ થઇ રહેલા રસીકરણ અભિયાનમાં 18 થી 45 વર્ષની વયના લોકોને રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યે કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે, અને આ રસીકરણ અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા કરી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનાં પ્રમુખ સ્થાને યોજાયેલી કોર કમિટી ની બેઠકમાં આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મફત કોરોનાની રસી આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન માટે કોરોના વેક્સિનનાં ડોઝ પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિનનાં 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યુ કે વડાપ્રધાનનાં માર્ગદર્શન હેઠળ આગામી 1 મેથી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે.

 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રસીકરણનું આ અભિયાન છેક જિલ્લા અને તાલુકા કક્ષા સુધી આયોજનપૂર્વક વ્યાપક બનાવી રાજ્યમાં 18થી 45 વર્ષની વયની પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા કોર કમિટીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું. કોર કમિટીની બેઠકમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, સચિવ સંજીવ કુમાર, હારીત શુક્લા, ધનંજય દ્વિવેદી અને આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવ હરે ઉપસ્થિત રહ્યા હતા.