×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં ભારે વરસાદને કારણે 14 લોકોના મોતથી હાહાકાર, જૂનાગઢ અને જામનગરમાં પૂર જેવી સ્થિતિ


છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણથી લઈને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. ગુજરાતમાં મુશળધાર વરસાદના કારણે 14 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં જૂનાગઢથી જામનગર સુધી મુશળધાર વરસાદના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને ભારે વરસાદને પગલે રસ્તાઓ તેમજ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ રાજ્યના 200 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે અને હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતમાં અનરાધાર અષાઢ

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના પ્રવેશ સાથે જ ધોધમાર વરસાદ એક સપ્તાહથી વરસી રહ્યો છે. આજે દિવસ દરમિયાન 200 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 13, ધરમપુરમાં 10 ઈંચ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જુનાગઢના વિસાવદરમાં બે દિવસમાં રેકોર્ડબ્રેક 25 ઈંચ વરસાદ વરસી જતા મોટાભાગના જળાશયો છલકાયા હતા. હવામાનવિભાગે હજુ આગામી બે દિવસ  રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત નવસારીમાં 13 ઈંચ વરસાદ ખાબકતા નવસારીમાં નેશનલ હાઇવે-48ના અમદાવાદ-મુંબઇ રૂટ પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે ઉપલેટાના બંને ડેમો સહિત સૌરાષ્ટ્રના 33 ડેમો છલકાયા છે.

ગુજરાતમાં ભારે વરસાદને પગલે 14 લોકોના મોત

છેલ્લા બે દિવસમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે જેમા એકલા જામનગર જિલ્લામાં જ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં જૂનાગઢ, જામનગર, નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વલસાડમાં ઔરંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢના એક ગામમાં બે ખેડૂતો ખેતરની વચ્ચે ફસાઈ ગયા હોવાથી પહેલા NDRFએ આ ખેડૂતોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જે બાદ બંને ખેડૂતોને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

જૂનાગઢના ઓઝત અને હિરણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે રોડ અને પુલ તૂટી રહ્યા છે. રસ્તાઓ અને પુલ તૂટવાને કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશ, કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટકના ભાગો અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. જ્યારે ઉત્તરપૂર્વ ભારત, બિહાર, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, કેરળ, તમિલનાડુ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.