×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, ખેડૂતોને રવિપાકમાં નુકસાનની ચિંતા

Image : IMD Gujarat

અમદાવાદ, 28 જાન્યુઆરી 2023, શનિવાર

ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના કેટલાક સ્થળોએ આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠાની આગાહી વચ્ચે આજે ભાવનગરમાં ઘણા વિસ્તારમાં માવઠું થયું છે. સોરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. આજે ભાવનગરમાં સવારે કેટલાક વિસ્તારોમાં માવઠું થયુ હતું. આ માવઠાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત સોમવારથી ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીના વધુ એક રાઉન્ડની પણ શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં આજે અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામા આવી છે.

કમોસમી વરસાદના સંભાવના

ગુજરાતમાં સતત પડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. રાજ્યમાં જોરદાર ઠંડી વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે આજે ભાવનગરમાં અનેક સ્થળોએ વરસાદી ઝાંપટુ પડ્યુ હતું અને રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઠંડીના ચમકારા વચ્ચે અચાનક જ કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ભારે ચિંતા સેવાઈ રહી છે. આ ઉપરાંત સોરાષ્ટ્રના અનેક સ્થળઓએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં આજે વહેલી સવારથી જ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોમાં રવિપાકને લઈને ચિંતામાં વધારો કર્યો છે. આ વરસાદથી ચણા, જીરું અને રાયડાના પાકમાં અસર જોવા મળી શકે છે. 


માવઠા બાદ વધુ ઠંડી પડવાની સંભાવના

રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર થતા હવે માવઠા બાદ ઠંડીના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી 48 કલાક દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે. ત્યારબાદના 3 દિવસ તાપમાન 3-4 ડિગ્રી સુધી ગગડતાં કડકડતી ઠંડી પડી શકે છે.  ગત રાત્રિએ 4.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયામાં 7 થી 10 ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું થયુ

આણંદના તારાપુરમાં પણ વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે શહેરનાં માર્ગો ભીના થયા હતા. આ ઉપરાંત સુરતના કાંઠા વિસ્તારમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ હજીરામાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શહેરના સિટી, રાવપુરા, કારેલીબાગ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તાર માવઠું થયુ છે. જિલ્લાના સાવલીમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે.