×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યના 8 મહાનગરમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ


અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2021 મંગળવાર

ગુજરાતમાં સરકાર બદલાતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના રાજમાં આ સૌથી મોટો અને પહેલો નિર્ણય કહી શકાય. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કોરોનાના કેસોને કાબુમાં લાવવા રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. રાત્રિના 11થી લઇને સવારના 6 વાગ્યા સુધી આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. 

આ 8 શહેરોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી રહેશે

ગુજરાતના 8 મહાનગરો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. જેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી રહેશે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી છે. છેલ્લાં 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ 10માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

છેલ્લાં 24 કલાકમાં સુરત શહેરમાંથી 6 ગ્રામ્યમાંથી 1 સાથે સૌથી વધુ 7, વડોદરામાં 4, જામનગરમાં 1 નવા કેસ સામે આવ્યા હતા. આમ, 3 જ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હોય તેવું માર્ચ 2020 બાદ પ્રથમવાર બન્યું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,25,629 જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,082 છે.

હાલમાં કોરોનાના 161 એક્ટિવ કેસ

છેલ્લા 24 કલાકમાં વધુ 16 દર્દી કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 8,15,386 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ 98.76% છે. હાલમાં 161 એક્ટિવ કેસ છે જ્યારે પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. સુરતમાં સૌથી વધુ 51, વડોદરામાં 41, અમદાવાદમાં 30 એક્ટિવ કેસ છે.