×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યના 22 તીર્થસ્થાનોમાં 48 કરોડના ખર્ચે વિકાસ કામો થશે, ગિરનારની 114 કરોડની વિકાસ યોજનાને મંજૂરી



અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે 3 મીટર પહોળો કરીને નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.

યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠકમાં મંજુરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી તેમણે આપી છે. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા

મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવી દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હતી કે રાજ્યના નાના-મોટા કુલ 22 જેટલા તીર્થધામોમાં કુલ 48 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. મુખ્યમંત્રી સમક્ષ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બેઠકમાં રજુ કરવામાં આવેલી બધી જ દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી, પાવાગઢ અને દ્વારિકા યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરીને કેટલાક અગત્યના સૂચનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા. 

ભાદરવી પૂનમનો જે લોકમેળો અંબાજી ખાતે યોજાશે

તેમણે આગામી ભાદરવી પૂનમનો જે લોકમેળો અંબાજી ખાતે સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનો છે તેમાં યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવા સુદૃઢ આયોજન માટે સંબંધિત તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના ધ્યેય મંત્ર સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દરેક યાત્રાધામોમાં આવનારા યાત્રિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરે તેવો પણ અનુરોધ કર્યો હતો.