×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાન : ચોરને પકડવા ગયેલી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો, વાહનોમાં તોડફોડ, 9 ઈજાગ્રસ્ત

જયપુર, તા.15 ઓગસ્ટ-2023, મંગળવાર

રાજસ્થાનના સલૂંબર જિલ્લામાં આજે 9 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અહીં પોલીસ ચોરને પકડવા પહોંચી હતી, જોકે ગુસ્સે થયેલા ગ્રામજનોએ પથ્થમારો શરૂ કરી દીધો. પોલીસની ટીમ ગ્રામીણો દ્વારા બંધક બનાવાયેલા એક બકરી ચોરને પકડવા ગઈ હતી.

ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી

સોમારી પોલીસ સ્ટેશનના ઉપનિરીક્ષક બચ્ચૂ લાલે જણાવ્યું કે, ગ્રામજનોએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો અને તેમના વાહનોમાં તોડફોડ કરી. તેમણે કહ્યું કે, આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેઓ પણ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. હાલ સેમારીની એક હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ લઈ જવાયા છે.

ગ્રામજનોએ ચોરી કરવા આવેલા 5 ચોરોમાંથી 1ને પકડી મારમારી રૂમમાં પુરી દીધો

પોલીસના જણાવ્યા અનુસાર સેમારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઈંટાલી ગામમાં પથ્થરમારો અને વાહન તોડફોડની ઘટના બની છે. ઈંટાલી ગામમાં 5 ચોરો બકરી ચોરવાની ફિરાકમાં હતાં, જોકે ગ્રામજનો ચોરોને જોઈ જતા તેમાંથી 4 ચોરો ભાગી ગયા હતા, જ્યારે કમલેશ મીના નામના એક વ્યક્તિને ગ્રામજનોએ પકડી લીધો હતો. પોલીસે જણાવ્યું કે, ગ્રામજનોએ પકડાયેલા ચોરને માર માર્યો, ત્યારબાદ તેને પંચાયતના એક રૂમમાં બંધ કરી દીધો

પોલીસ પર ચારેકોરથી પથ્થરમારો શરૂ થયો

આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈંટાલી ગામે પહોંચેલી પોલીસે બકરી ચોરની ધરપકડ કરી લઈ જઈ રહી હતી. આ દરમિયાન ગ્રામજનોએ ચારેકોરથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હાલ પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.