×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાનઃ કેન્સર સામે લડી રહેલા પૂર્વ મંત્રી મહિપાલ મદેરણાનું અવસાન, જયપુર ખાતે ચાલી રહી હતી સારવાર


- તેમને અશોક ગેહલોતની સરકારમાં જળ સંસાધન મંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ ભંવરી દેવી હત્યાકાંડમાં નામ આવવાના કારણે તેમણે પદ છોડવું પડ્યું હતું

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર, 2021, રવિવાર

રાજસ્થાનના પૂર્વ મંત્રી મહિપાલ મદેરણાનું રવિવારે સવારે અવસાન થયું છે. તેમણે સવારે 7:44 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણાં લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને સારવાર અંતર્ગત હતા. મહિપાલ મદેરણા ચર્ચિત ભંવરી દેવી હત્યાકાંડ કેસના મુખ્ય આરોપી હતા. 

મહિપાલ મદેરણાનો જન્મ 5 માર્ચ, 1952ના રોજ જોધપુરના ફલોદી ખાતે થયો હતો. તેમણે રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ તેમના સરકારી આવાસની બહાર ભીડ જામી છે. તેમના અંતિમ સંસ્કાર પૈતૃક ગામ ચાડી ખાતે કરવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના અવસાનને લઈ શોક વ્યક્ત કર્યો છે. 

મહિપાલ મદેરણા 20 વર્ષ સુધી જોધપુર જિલ્લા પરિષદના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ 2 વખત ધારાસભ્ય પણ બન્યા હતા. બીજી વખત ધારાસભ્ય બન્યા બાદ તેમને અશોક ગેહલોતની સરકારમાં જળ સંસાધન મંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ ભંવરી દેવી હત્યાકાંડમાં નામ આવવાના કારણે તેમણે પદ છોડવું પડ્યું હતું. 

સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી તથા અનેક વર્ષો સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ થોડા સમય પહેલા તેમને કેન્સરની સારવાર માટે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમને સારવાર માટે ચેન્નાઈ પણ લઈ જવામાં આવ્યા હતા. મદેરણાનો પરિવાર રાજકારણમાં સક્રિય છે. તેમના પત્ની લીલા મદેરણા જોધપુરના જિલ્લા પ્રમુખ છે. જ્યારે તેમની દીકરી દિવ્યા મદરેણા ઓસિયાં વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.