×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજદ્રોહ: કેન્દ્ર સરકારને લક્ષ્મણ રેખા યાદ આવી


નવી દિલ્હી, તા. 11 મે 2022, બુધવાર 

સુપ્રીમ કોર્ટે બુધવારે રાજદ્રોહની વર્તમાન જોગવાઈઓ કેન્દ્ર સરકાર પુનઃવિચારણા કરે ત્યાં સુધી સ્થગિત રહેશે એવો આદેશ આપ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે જે જૂના કેસમાં તપાસ ચાલી રહી છે તે અટકાવી દેવા માટે અને તેમાં કોઈ પગલાં નહી ભરવા પણ ઓર્ડર આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ કેન્દ્ર સરકારને ફરી ‘લક્ષ્મણ રેખા’ યાદ આવી છે. 

કેન્દ્ર સરકારના કાયદા મંત્રી કિરણ રીજુજુએ જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ પણ લક્ષ્મણ રેખા ઓળંગવી જોઈએ નહી. 

“અમે આ મામલે અમારું વલણ સ્પષ્ટ કરેલું છે અને અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈરાદા અંગે સુપ્રીમ કોર્ટને વાકેફ કરી છે. અમે સુપ્રીમ કોર્ટની અને તેની સ્વતંત્રતાનો આદર કરીએ છે. પણ એક લક્ષ્મણ રેખા હોય છે અને દેશના દરેક અંગોએ તેનો શબ્દ અને આચરણથી આદર કરવો જોઈએ,” એમ કાયદા મંત્રીએ જણાવ્યું હતું. 

કેન્દ્ર સરકાર લાંબા સમયથી એવો મત પ્રગટ કરી રહી છે કે લોકશાહીમાં અધિકારીઓ, કાયદા ઘડવા માટે સંસદ અને ધારાસભા તેમજ ન્યાયતંત્રની ભૂમિકા અને તેમણે કરવાની કામગીરી બંધારણએ આધીન છે. આ ત્રણેયની કામગીરીની એક લક્ષ્મણ રેખા છે અને દરેક અંગે તેના દાયરામાં રહી પોતાની કામગીરી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોમાં કેન્દ્ર સરકારની કામગીરી અને તેણે ઘડેલા કાયદા અંગે ટીકા કરી ત્યારે અગાઉ પણ લક્ષ્મણ રેખા અંગે વર્તમાન સરકારે નિવેદન કર્યા છે.