×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજકોટ : SGVP ગુરુકુળમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા મોત

રાજકોટ, તા.03 જુલાઈ-2023, સોમવાર

છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરે હાર્ટએટેક આવવાના બનાવોમાં વધારો થયો છે, તો રાજકોટમાં પણ હાર્ટએટેકના કારણે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હોવાની અઠવાડિયામાં બીજી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં SGVP ગુરુકુળમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા આપતા બેભાન થતા તેને તુરંત સારવાર માટે લઈ જવાયો હતો, જોકે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું.

વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા આપતા ઢળી પડ્યો

મળતી વિગતો મુજબ આજે રાજકોટની SGVP ગુરુકુળમાં એક ગંભીર ઘટના બની હતી, જેમાં એક વિદ્યાર્થીનું હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજ્યું છે. આ વિદ્યાર્થીનું નામ દેવાંશ ભાયાણી હોવાનું સામે આવ્યું છે. અહીં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી દેવાંશ સ્ટેજ પર સ્પીચ આપી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો હતો. વિદ્યાર્થી નીચે પડતાં જ તુરંત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીને બેભાન હાલતમાં તુરંત ખાનગી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જોકે દેવાંશને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ આ ઘટના અંગે વિદ્યાર્થીના મૃતદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

તાજેતરમાં જ એન્જિનિયરિંગ કોલેજનાં 28 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું

વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવતાં સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. કલ્પેશ ગઈકાલે સાંજે કોલેજથી છૂટી રહ્યો હતો એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કલ્પેશ પ્રજાપતિને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ સોડા પીધી હતી. બાદમાં તેને મિત્રને ફોન કરી હોસ્પિટલ જવા જાણ કરી હતી. જે બાદ મિત્ર તેમને 108 મારફત હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો અને મોત નીપજ્યું હતું.