×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજકોટના પીએફ કમિશનર વતી બે લાખની લાંચ લેતા એજન્ટને ઝડપી લેવાયો

અમદાવાદ,શનિવાર

સીબીઆઇની એન્ટી કરપ્શન વીંગ દ્વારા રાજકોટમાં  એમ્પોલીસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઝેશન  (ઇપીએફઓ)ના ડેપ્યુટી કમિશનર અને તેના વતી કામ કરતા વચેટિયા દ્વારા રૂપિયા બે લાખની લાંચ લેવાની ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ ૨૦૦૪માં ઇસ્યુ કરવામાં આવેલી નોટિસ અને પુછપરછમાં સેટલમેન્ટ કરવાના બદલામાં રાજકોટના એક કોન્ટ્રાક્ટર પાસેથી ૨૦ લાખની લાંચ માંગવામાં આવી હતી. જેમાં ૧૨ લાખની લાંચની રકમ નક્કી થયા બાદ તે પૈકી બે લાખ રૂપિયા આપવાની ડીલ કરવામાં આવી હતી. જેમાં ગોંડલ રોડ પર આવેલા આંગડિયા પેઢી પર બે લાખની લાંચ લેતા ચિરાગ જસાણીને ઝડપી લેવાયો હતો. જો કે સીબીઆઇની ટ્રેપ બાદ  ડેપ્યુટી કમિશનર નિરજસિંઘ તેના ઘરેથી ફરાર થઇ ગયા હતા.રાજકોટ સ્થિત ઇપીએફઓ ઓફિસમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા નિરજસિંઘ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાના કોન્ટ્રાક્ટરો વિરૂદ્વ નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. જેમાં તેમને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને પીએફ નહી આપવાથી માંડીને અન્ય ગેરરીતિ અંગે ખુલાસા માંગવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાંક કોન્ટ્રાક્ટર યોગ્ય સ્પષ્ટતા કરી શક્યા ન હતા અને જેમાં એક કોન્ટ્રાક્ટર વિરૂદ્વ આ સંદર્ભમાં કાર્યવાહી કરવાની કહીને તેને નિરજસિંઘ વતી એજન્ટ તરીકે કામ કરતા ચિરાગ જસાણીએ  સેટલમેન્ટ કરવાના બદલામાં નિરજસિંઘ વતી ૨૦ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જો ક કોન્ટ્રાક્ટર સાથેની રકઝક બાદ ૧૨ લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી.  જેની ચુકવણી કરવાનુ ંશુક્રવારે નક્કી કરવામાં આવ્યું હતું.  જે અંગે કોન્ટ્રાક્ટરે સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સીબીઆઇની એક ટીમે સાંજના સમયે ગોંડલ રોડ પર આવેલા એક આંગડિયા પેઢી ખાતે ટ્રેપ ગોઠવી હતી. જેમાં ચિરાગ જસાણીને રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો.  જો કે  નિરજસિંઘને અગાઉથી ફરિયાદી સાથેની વાતચીતથી શંકા જતા તે શુક્રવારથી ઘરને તાળુ મારીને નાસી ગયો હતો. બીજી તરફ ચિરાગ જસાણીની કાલાવડ રોડ સ્થિત ઓફિસમાં તપાસ કરતા સીબીઆઇને અનેક મહત્વના પુરાવા મળ્યા હતા. જેમાં વિવિધ કોન્ટ્રાક્ટરોની ફાઇલો અને ઇપીએફઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી નોટિસની ફાઇલ મળી આવી હતી. આ સાથે પેનડ્રાઇવ અને લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સીબીઆઇએ ચિરાગ જસાણીને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને પુછપરછ કરવામાં આવી રહી છે. ચિરાગ જસાણી છેલ્લાં ૨૫ વર્ષથી ઇપીએફઓમાં એજન્ટ તરીકે ગેરકાયદેસર રીતે કામ કરતો હતો. જેમાં તે માત્ર નિરજસિંઘ જ નહી પણ અન્ય અધિકારીઓ સાથે પણ સક્રિય પણ કામ કરતો હતો. સીબીઆઇએ તેની ધરપકડ બાદ મોબાઇલ તપાસતા તેના વોટ્સએપ કોલ અને ચેટિંગમાં નિરજસિંઘ સાથેની ચેટિંગ અને કોલની વિગતો મળી હતી. જેમાં તે કોન્ટ્રાક્ટર સાથે ડીલ કરતા સમયે ફાઇનલ કોલ નિરજસિંઘ પાસેથી લઇને ડીલ ક્લોઝ કરતો હતો. તેની પાસેથી સીબીઆઇની ૨૦ જેટલા કોન્ટ્રાક્ટરની વિગતો મળી છે. જેની સાથે નિરજસિંઘ વતી ચિરાગ જસાણી ડીલ કરતો હતો. હાલ સીબીઆઇની ટીમને અન્ય કોન્ટ્રાક્ટરની લીડ મળતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.