×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજકીય આકાની ધૂન પર નાચી રહી છે SIT: અહેમદ પટેલની દીકરીએ કર્યા આક્ષેપો


- કોંગ્રેસી નેતા જયરામ રમેશે આ આરોપોને મેન્યુફેક્ચર્ડ ગણાવ્યા છે

અમદાવાદ, તા. 16 જુલાઈ 2022, શનિવાર

ગુજરાતને બદનામ કરવા મામલે સીટના સોગંદનામામાં ભારે મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગોધરા કાંડ બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ દ્વારા સામાજીક કાર્યકર તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. 

એસઆઈટીના સોગંદનામાને આધાર બનાવીને ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રાએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે હવે આ સમગ્ર મુદ્દે અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. 

આ પણ વાંચોઃ  તિસ્તા શેતલવાડ કોંગ્રેસી નેતા એહમદ પટેલે ગુજરાતના CM મોદી સામે રચેલા કાવતરાનું પ્યાદું હોવાનો અહેવાલ

કદાચ 2027ની ચૂંટણીમાં પણ મારા પિતાનું નામ ઉછાળશે

એક ટેલિફોનિક ઈન્ટરવ્યુ દરમિયાન મુમતાઝ પટેલે કહ્યું હતું કે, '2012ની ચૂંટણીમાં અહેમદ મિયાં પટેલ કરીને મારા પિતાને સીએમ ઉમેદવાર કહેતા હતા, 2017માં હોસ્પિટલમાં એક આતંકવાદીનો મુદ્દો ઉછાળ્યો, ચૂંટણી બાદ તે ક્યાં ગયા? હવે 2022ની ગુજરાતની ચૂંટણી છે તો ફરી કારણ વગર મારા દિવંગત પિતાનું નામ રાજકારણમાં ઉછાળી રહ્યા છે, કદાચ તેમનું નામ 2027માં પણ ઉછાળશે.'

એસઆઈટીના સોગંદનામામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તિસ્તા સહિતના આરોપીઓએ પોતાના બદઈરાદાઓ પાર પાડવા અને આર્થિક, રાજકીય તેમ જ અન્ય લાભો ખાટવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દૂરૂપયોગ કરી બહુ મોટું કાવતરૂ રચ્યું હતું. 

કોંગ્રેસ દ્વારા આરોપોનું ખંડન

કોંગ્રેસ પાર્ટીએ એસઆઈટીના એ દાવાનું ખંડન કર્યું છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તિસ્તા, રિટાયર્ડ ડીજીપી આરબી શ્રીકુમાર તથા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે દિવંગત અહેમદ પટેલના ઈશારે ગુજરાત સરકારને અસ્થિર કરવા પ્રયત્ન કર્યો હતો. અહેમદ પટેલ તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર હતા. કોંગ્રેસી નેતા જયરામ રમેશે આ આરોપોને મેન્યુફેક્ચર્ડ ગણાવ્યા છે. તેમના કહેવા પ્રમાણે આ બધું 2002માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરવામાં આવેલા સાંપ્રદાયિક નરસંહારની તમામ જવાબદારીઓમાંથી પોતાની જાતને મુક્ત કરવા માટેની વડાપ્રધાનની વ્યવસ્થિત રણનીતિનો હિસ્સો છે. 

અહેમદ પટેલનું નામ, સોનિયા ગાંધીનું કામઃ સાંબિત પાત્રા

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સાંબિત પાત્રાએ જણાવ્યું કે, એસઆઈટીના સોગંદનામાથી સચ્ચાઈ સામે આવી ગઈ છે કે, એ કોણ લોકો હતા જે આ ષડયંત્રની પાછળ હતા. અહેમદ પટેલના ઈશારે તિસ્તા સેતલવાડ અને અન્યએ ગુજરાત સરકારને અસ્થિર કરવા ષડયંત્ર રચ્યું હતું. અહેમદ પટેલ તો બસ એક નામ હતું, જેની પ્રેરક શક્તિ તેમના બોસ સોનિયા ગાંધી હતા. 

એસઆઈટીએ કોર્ટમાં જે સોગંદનામુ રજૂ કર્યું હતું તેમાં કહેવામાં આવ્યું છે કે, તિસ્તા સેતલવાડ અને તેમના સહયોગી માનવતા અંતર્ગત નહીં પરંતુ રાજકીય ઉદ્દેશ્યો સાથે કામ કરતા હતા. તેમના 2 ઓબ્જેક્ટિવ હતા-

1. ગુજરાતની ત્યારની સરકારને અસ્થિર કરવામાં આવે

2. તેમાં નિર્દોષ લોકોને સામેલ કરવામાં આવે, જેમાં નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે.