×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાકેશ ટિકૈતે જુલાઈમાં બે રેલી યોજવાની કરી ઘોષણા, કહ્યું- દિલ્હી ટ્રેક્ટર વિના માનતી નથી

નવી દિલ્હી, 26 જુન 2021 શનિવાર

ભારતીય કિસાન યુનિયન (BKU) નાં નેતા રાકેશ ટિકૈતે કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી છે. 'ટ્રેક્ટર રેલી' તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું કે દિલ્હી ટ્રેક્ટર વિના માનતી નથી. ગયા વર્ષે અમલી બનેલા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર આંદોલનને 7 મહિના પૂરા થયા. આ પ્રસંગે આજે ખેડુતોએ આજનાં દિવસને 'કૃષિ બચાવો, લોકશાહી બચાવો દિવસ' તરીકે મનાવ્યો. શનિવારે પંજાબ અને હરિયાણાના સેંકડો ખેડૂતોએ આ આંદોલનમાં ભાગ લીધો.

રાકેશ ટિકૈતે કહ્યું, “આજની બેઠકમાં અમે અમારા આંદોલનને મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો છે. અમે વધુ બે રેલી કાઢવાનો પણ નિર્ણય લીધો છે. 9 જુલાઇએ ટ્રેક્ટર રેલી યોજવામાં આવશે, જેમાં શામલી અને બાગપતનાં લોકો ભાગ લેશે અને તેઓ 10 મી જુલાઈએ સિંધુ બોર્ડર પહોંચશે. જ્યારે, બીજી રેલી 24 જુલાઇએ યોજાશે, જેમાં બિજનોર અને મેરઠના લોકો જોડાશે. 24 જુલાઈની રાત્રે તેઓ મેરઠ ટોલ પર રોકાશે અને 25 જુલાઈએ ગાજીપુર બોર્ડર પહોંચશે."

આ ઉપરાંત ખેડૂત નેતાએ આડકતરી રીતે સંસદનો ઘેરાવ કરવાની પણ વાત કરી. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર, તેમણે કહ્યું હતું કે, 'સંસદ એ ખેડુતોની હોસ્પિટલ છે. ત્યાં અમારી સારવાર કરવામાં આવશે. અમને ખબર પડી છે કે, એઈમ્સની તુલનામાં સંસદમાં ખેડૂતોની વધુ સારી સારવાર કરવામાં આવે છે. અમે ત્યાં અમારી સારવાર કરાવીશું. જ્યારે પણ અમે દિલ્હી જઈશું ત્યારે સંસદમાં જઈશું."

શનિવારે વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક લોકોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, અમારા જે પ્રદર્શનકારીઓ છે, તેમને કાં તો તિહાર જેલમાં મોકલો અથવા રાજ્યપાલની સાથે તેમની મુલાકાત કરાવો, દિલ્હીની શું સારવાર કરવાની છે તે અમે આગળ જણાવીશું. ટ્રેક્ટર વિના દિલ્હી માનતી નથી. લડાઈ ક્યાં થશે, તેનું સ્થળ અને સમય શું હશે તે નક્કી કરીને મોટી ક્રાંતિ થશે.