×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતે તટસ્થ વલણ જાળવી રાખ્યું


- વડાપ્રધાન મોદી અને બાઇડેન વચ્ચે વર્ચ્યુઅલ મુલાકાત

- બંને દેશો વચ્ચે શાંતિ માટે રશિયાના પ્રમુખ પુતિનને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે સામસામે બેસી વાત કરવા સલાહ આપી હતી : મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વૈશ્વિક સંકટ, કોરોના અને ક્લાઇમેટ ક્રાઇસીસ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. આ બેઠકમાં પીએમ મોદીએરશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં બૂચા નરસંહારની નિંદા કરી છે. બાઇડેને જણાવ્યું હતું કે સંરક્ષણના મામલામાં બંને દેશ વચ્ચે મજબૂત ભાગીદારી છે.

આ ઉપરાંત યુક્રેનના લોકો અંગે માનવીય સહાયનું અમે સ્વાગત કરીએ છીએ. આપણે આગળ પણ ચર્ચા કરતાં રહીશું. આપણો સંબંધ વધારે ઊંડો અને મજબૂત બનશે. બાઇડેને જણાવ્યું હતું કે ૨૪ મેના આસપાસ જાપાનમાં ક્વોડ મીટ છે. આશા રાખુ કે તે સમયે મુલાકાત થશે. 

મોદીએ બાઇડેનને ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે આપણા સંરક્ષણ પ્રધાનો ટુ પ્લસ ટુ ફોર્મેટમાં મળશે. તે પહેલા આપણી મુલાકાત તેમના માટે વાતચીતની દિશા નક્કી કરવા માટે મહત્ત્વની છે. 

મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે નવેમ્બરમાં હું અમેરિકા આવ્યો હતો, તે સમયે તમે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા ભાગીદારી ઘણી બધી વૈશ્વિક સમસ્યાઓના ઉકેલમાં ફાળો આપી શકે છે. હું તમારી વાત સાથે સંપૂર્ણપએ સંમત છુ. વિશ્વના બે સૌથી મોટા અને સૌથી જૂના લોકશાહી દેશો તરીકે આપણે નૈસર્ગિ ભાગીદાર છીએ. થોડા વર્ષોમાં આપણા સંબંધોમાં જે પ્રગતિ થઈ છે અને નવો આયામ રચાયો છ, તેની એક દાયકા પહેલા કલ્પના કરવી મુશ્કેલ હતી. 

વડાપ્રધાને રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ જારી કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં બૂચા શહેરમાં નાગરિકોની હત્યા કરવામાં આવી. આ સમાચાર અત્યંત ચિંતાજનક હતા. તેમણે જણાવ્યું હતું કે મારી બને દેશના રાષ્ટ્રપતિ સાથે વાતચીત થઈ છે. મેં બંનેને શાંતિની અપીલ કરી છે. જ્યારે રાષ્ટ્રપિત પુતિનને તો યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરવાની ઓફર પણ કરી હતી. અમારી સંસદમાં પણ યુક્રેન પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે. 

રશિયા-યુક્રેન યુદ્ધમાં બુચા શહેરમાં નિર્દોષ નાગરિકોની હત્યા ઘણી ચિંતાજનક હતી. અમે તેની નિંદા કરી છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. અમે આશા રાખીએ છીએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતી વાતચીતમાંથી શાંતિનો કોઈ માર્ગ નીકળશે. 

તેમણે જણાવ્યું હતું કે અમે યુક્રેનમાં સામાન્ય પ્રજાની સલામતી અને માનવીય સહાયતા પૂરી પાડવાને પણ મહત્ત્વ આપ્યું છે. અમે અમારા તરફથી દવાઓ અને રાહત સામગ્રી યુક્રેન મોકલી છે. યુક્રેનની માંગ પર દવાઓનું વધુ એક કન્સાઇનમેન્ટ તેને મોકલવાના છીએ. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તમે તમારા કાર્યકાળના પ્રારંભમાં ઘણુ મહત્ત્વનું સૂત્ર આપ્યું હતું- લોકશાહી જ સારા પરિણામ આપે છે. ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીની સફળતાનો સૂત્રોચ્ચારને સાર્થક કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. ભારત આ વર્ષે તેની સ્વતંત્રતાના ૭૫માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે, મને વિશ્વાસ છે કે આગામી ૨૫ વર્ષમાં ભારતની વિકાસયાત્રામાં અમેરિકા સાથેની મિત્રતા અભિન્ન અંગ રહેશે.