×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયા યુક્રેન પર ત્રાટકતાં 450નાં મોત: યુદ્ધના મંડાણ


- યુક્રેન પર ત્રણ બાજુથી રશિયન સૈન્યનો મિસાઈલ-તોપમારો અને સાઈબર એટેક

- યુક્રેનમાં 11 એરફિલ્ડ્સ સહિત 70 સૈન્ય સ્થળો તોડી પાડયા: રશિયા, 50 રશિયન સૈનિકોને ઠાર કર્યા, અનેકને જીવતા પકડયા: યુક્રેનનો દાવો

- યુક્રેન સામેની વિશેષ સૈન્ય કાર્યવાહીમાં દખલ કરનારા દેશે ઈતિહાસમાં ક્યારેય ન જોયા હોય તેવા પરિણામ ભોગવવા પડશે: પુતિનની ચેતવણી

મોસ્કો/કીવ : રશિયન સૈન્યના ગુરુવારે વહેલી સવારે યુક્રેન પર ભીષણ આક્રમણથી દુનિયાભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે. યુક્રેન પર હુમલાના કેટલાક સમય પછી રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધનમાં યુક્રેન સામે યુદ્ધનું એલાન કર્યું હતું. પુતિને યુક્રેનના અસૈન્યીકરણ અને નાઝીઓથી મુક્ત કરાવવાના આશય સાથે વિશેષ સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી. રશિયન સૈન્યે યુક્રેન પર ત્રણ દિશામાંથી હુમલો કરવાની સાથે સાઈબર હુમલો પણ શરૂ કરી દીધો છે.  રશિયાએ દાવો કર્યો હતો કે તેણે યુક્રેનના ૭૦થી વધુ એરબેઝ અને એર ડિફેન્સ સ્થળોનો નાશ કર્યો છે. બીજીબાજુ યુક્રેને દાવો કર્યો કે રશિયાના હુમલામાં તેના ૩૦૦થી વધુ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે જ્યારે તેણે રશિયાના ૧૦૦ સૈનિકોને ઠાર કર્યા છે અને ૬ વિમાન તોડી પાડયા છે. 

કલાકોમાં જ યુક્રેનના સંપૂર્ણ હવાઈ સંરક્ષણનો નાશ કર્યાનો રશિયાનો દાવો

રશિયાએ અંતે બુધવાર-ગુરુવારની મધરાતે યુક્રેન સામે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ એમ ત્રણે બાજુથી જમીન અને હવાઈ આક્રમણ કરતાં પૂર્ણ સ્તરનું યુદ્ધ શરૂ કરી દીધું છે.

 રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના આદેશની સાથે જ રશિયાએ હવાઈ હુમલો કરતાં મિસાઈલ્સ અને બોમ્બનો વરસાદ વરસાવ્યો છે જ્યારે રશિયન ટેન્કો અને હેલિકોપ્ટર્સ વહેલી સવારે યુક્રેનમાં ઘૂસ્યા હતા. યુક્રેનની રાજધાની કિવમાં રશિયન હેલિકોપ્ટર્સ અને વિમાનો ઊડતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. 

રશિયન સૈન્યે દાવો કર્યો હતો કે તેણે કલાકોમાં જ યુક્રેનના સંપૂર્ણ હવાઈ સંરક્ષણનો નાશ કર્યો હતો.

યુક્રેનના દળોએ રશિયાના સાત વિમાન તોડી પાડયા

રશિયન આક્રમણને પગલે યુક્રેને રશિયા સાથેના રાજકીય સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. યુક્રેનના દળોએ પણ રાજધાની કિવ, પૂર્વમાં ખારકિવ અને પશ્ચિમાં ઓડેસામાં રશિયન દળોને આકરો જવાબ આપ્યો હતો. યુક્રેને દાવો કર્યો હતો કે રશિયન હુમલામાં તેના ૩૦૦થી વધુ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે. રશિયાએ કેલિબર ક્રૂઝ મિસાઈલ, તોપમારા સાથે હુમલો કર્યો છે. તેણે રશિયાના ૧૦૦થી વધુ જવાનોને ઠાર કર્યા છે અને સાત ફાઈટર પ્લેન તોડી પાડયા છે. ઉપરાંત તેણે રશિયાના અનેક સૈનિકોને જીવતા પકડી લીધા છે. રશિયન આક્રમણના પગલે યુક્રેનમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. 

હુમલા પછી અમેરિકન પ્રમુખ બાઈડેન-ઝેલેન્સ્કીએ ચર્ચા કરી

રશિયાના હુમલાના પગલે સેંકડો યુક્રેનવાસીઓ રાજધાની કીવ છોડીને ભાગ્યા હતા તેમજ સેંકડો નાગરિકોએ મેટ્રો સ્ટેશનો પર આશરો લેવાની ફરજ પડી હતી. યુરોપીયન ઓથોરિટીએ યુક્રેનની એર સ્પેસને યુદ્ધગ્રસ્ત ઝોન જાહેર કરી હતી. વિશ્વના નેતાઓએ રશિયન આક્રમણની આકરી ટીકા કરી હતી અને રશિયાએ ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચેતવણી આપી હતી. રશિયાના હુમલા પછી અમેરિકન પ્રમુખ જો બાઈડેને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે હું જી૭ના નેતાઓ સાથે શુક્રવારે બેઠક કરીશ અને સહયોગી દેશો સાથે મળીને રશિયા પર આકરા નિયંત્રણો લાદીશું. અમે યુક્રેન અને તેના લોકોને સમર્થન અને સહાય ચાલુ રાખીશું.

યુક્રેનના અસૈન્યીકરણ, નાઝીઓથી મુક્ત કરાવવા સૈન્ય અભિયાન: પુતિન

રશિયાનું આક્રમણ યુક્રેનની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી શકે છે અને શીત યુદ્ધ પછી યુરોપમાં સલામતી સંતુલન જોખમાવી શકે છે. દરમિયાન ગુરુવારે વહેલી સવારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે તેમણે યુક્રેનમાં 'વિશેષ સૈન્ય અભિયાન' શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ અભિયાનનો આશય યુક્રેનનું અસૈન્યીકરણ કરવાનો અને તેને નાઝીઓથી મુક્ત કરાવવાનો છે. સાથે જ તેમણે અમેરિકા અને નાટો સહિત દુનિયાના દેશોને પણ ચેતવણી આપી હતી કે, યુક્રેન સામેના તેમના સૈન્ય અભિયાનમાં જે પણ દેશ દખલ કરશે તેણે ઈતિહાસમાં ક્યારેય ન જોયા હોય તેવા પરિણામ ભોગવવા પડશે.

યુક્રેને શાંતિ માટે ભારત પાસે મદદ માગી

પુતિનને યુક્રેનમાં હિંસા તાત્કાલિક બંધ કરવા પીએમ મોદીની અપીલ

- યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પોલેન્ડ, હંગેરી જેવા દેશોની સરહદેથી પરત ફરી શકશે: વિદેશ મંત્રાલય

યુક્રેન પર રશિયાના આક્રમણથી પેદા થયેલી સ્થિતિ અને ત્યાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાની માગ ઊઠી રહી છે અને યુક્રેને મદદ માટે ભારતને અપીલ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને યુક્રેનમાં હિંસા તુરંત બંધ કરવા અપલી કરી હતી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વાતચીત મારફત મતભેદોનો ઉકેલ લાવી શકાય છે. આ વાટાઘાટો દરમિયાન રશિયન પ્રમુખ પુતિને પીએમ મોદીને યુક્રેન સંબંધિત વર્તમાન ઘટનાક્રમો અંગે વાત કરી હતી. આ સમયે વડાપ્રધાને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બંને દેશના વડાઓએ તેમના અધિકારીઓ અને રાજદૂતો પારસ્પરિક હિતોના મુદ્દે નિયમિત સંપર્ક જાળવી રાખવા સંમતિ વ્યક્ત કરી હતી.

અગાઉ ભારતમાં યુક્રેનના રાજદૂત ડો. આઈગોર પોલિખાએ રશિયા-યુક્રેન સંઘર્ષમાં ભારત સરકારને હસ્તક્ષેપ કરવાની માગણી કરતા કહ્યું કે, હું માનું છું કે આ કેસમાં ભારતના વડાપ્રધાન પુતિન સાથે વાત કરી શકે છે. તેઓ અમારા પ્રમુખ સાથે પણ વાત કરી શકે છે. ઈતિહાસમાં અનેક વખત ભારતે શાંતિ સ્થાપવાની ભૂમિકા ભજવી છે. અમે આ યુદ્ધ રોકવા માટે તમારા મજબૂત અવાજની માગણી કરી રહ્યા છીએ. આ યુદ્ધ રોકવા માટે ભારતીય નેતૃત્વના સમર્થનની અમે રાહ જોઈ રહ્યા છીએ.

બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા બાબતોની મંત્રીમંડળ સમિતિ (સીસીએસ)ની બેઠક યોજી હતી. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ તેની ભારત પર અસર અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન પ્રમુખ પુતિન સાથે વાત કરે તેવી સંભાવના છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, યુક્રેનમાં ભારતીયોની સુરક્ષા કેન્દ્ર સરકારની પ્રાથમિક્તા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પોલેન્ડની સરહદેથી પાછા ફરી શકશે. ભારતીય દૂતાવાસે યુક્રેન અને પોલેન્ડ સરહદે કેમ્પ બનાવ્યા છે. કેન્દ્રે ભારતીયો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. વધુમાં વિદેશ મંત્રાલયે યુક્રેનની સરહદે આવેલા હંગેરી, સ્લોવાક ગણરાજ્ય અને રોમાનિયાથી પોતાની એક ટીમ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા મોકલી છે. પોલેન્ડ ઉપરાંત આ સરહદોથી ભારતીયોને પાછા લાવી શકાશે.