×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાની સેના યુક્રેનમાં ઘૂસી : છ સૈનિકો ઠાર અમેરિકાએ એફ-35 વિમાનો તૈનાત કર્યા


- યુક્રેનમાં 30 દિવસ માટે કટોકટીની સ્થિતિ લાદવામાં આવી

- રશિયાએ બળવાખોરોને શસ્ત્રો આપી યુક્રેનને તોડવાનું શરૂ કર્યું :  દૂતાવાસ ખાલી કર્યા : યુક્રેનમાં રશિયા તરફી જૂથોએ સેના પર હુમલા વધાર્યા

કીવ : રશિયાનું લશ્કર યુક્રેનથી સ્વતંત્ર જાહેર કરેલા દેશ ડોનેત્સ્ક અને લુહાંત્સ્કમાં પ્રવેશી ચૂક્યુ છે. રશિયન લશ્કર બળવાખોરોની સાથે મળીને યુક્રેનના લશ્કરના નિયંત્રણવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન થયેલી અથડામણમાં યુક્રેનના છ સૈનિક માર્યા ગયા છે. જેના જવાબમાં અમેરિકાએ પણ પોલેન્ડમાં એફ-૩૫ ફાઈટર વિમાનો તૈનાત કર્યા છે. યુક્રેન પર રશિયાના હુમલાને ટાળવા માટે સમગ્ર વિશ્વની તાકાત સક્રિય છે.  પૂર્વી યુક્રેનમાં અલગતાવાદીઓ અને લશ્કર વચ્ચેના યુદ્ધવિરામનો છેલ્લા એક જ દિવસમાં ૯૪ વખત ભંગ કરવામાં આવ્યો છે. બીજી બાજુએ રશિયાના લશ્કરના હુમલાની સંભાવનાએ યુક્રેને ૩૦ દિવસ માટે કટોકટી જાહેર કરી છે.

લશ્કરે જણાવ્યું હતું કે અલગતાવાદીઓએ ભારે શસ્ત્રો, મોર્ટાર અને ગ્રેડ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરી હુમલો કર્યો હતો.આ હુમલા માટે યુક્રેને રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ પૂર્વી યુક્રેનના બે ભાગને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. તેના લીધે વાતાવરણ હિંસક થઈ ગયું છે. પશ્ચિમી દેશો માને છે કે યુક્રેનમાં રશિયા આગામી દિવસોમાં મોટું યુદ્ધ ખેલી શકે છે. 

યુક્રેનના પૂર્વી હિસ્સામાં હંમેશા રશિયાની પક્કડ રહી છે. અલગતાવાદીઓનો એક વર્ગ હંમેશા રશિયાનો સમર્થક રહ્યો છે. અહીં રશિયાની જ ભાષા ચાલે છે અને કારોબારમાં પણ રશિયાનું પ્રભુત્વ છે. તેનો ફાયદો ઉઠાવતા રશિયા પ્રયત્ન કરી રહ્યું છે કે યુક્રેનને અંદરથી નબળું પાડવામાં આવે. આ જ કારણસર રશિયાએ યુક્રેનના બે આંતરિક હિસ્સા ડોનેત્સ્ક અને લુંહાત્સ્કને માન્યતા આપી છે. આના પગલે મનાય છે કે આગામી દિવસોમાં રશિયા હુમલો કરી શકે છે. 

જો કે ડોનેત્સ્ક અને લુહાંત્સ્કને તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે અને ત્યાં ઇમરજન્સી લગાવવામાં આવી રહી નથી. તેથી મનાય છે કે યુક્રેનનું લશ્કર અલગતાવાદીઓને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. દેશના જુદા-જુદા હિસ્સાની સ્થિતિને જોતાં કટોકટી ક્યાં કેટલા સમયગાળા માટે લંબાવવી કે ઘટાડવી તેના અંગેનોનિર્ણય લેવામાં આવશે. 

આ ઉપરાંત રશિયાએ યુક્રેનમાં તેના દૂતાવાસને ખાલી કરવા માંડયો છે. મોસ્કો યુક્રેનમાં  ક્વિવ, ખાર્વિવ, ઓડેસા અને લ્વિવમાં રાજદૂતાવાસ ધરાવે છે. રશિયન રાજદૂતાવાસની કચેરી પર હવે રશિયન ધ્વજ નથી. યુક્રેને પણ બીજી બાજુ તેના બધા નાગરિકોને રશિયા છોડવા જણાવ્યું છે. આ ઉપરાંત રશિયાના સુપ્રીમો પુતિને રશિયાની બહાર લશ્કર દ્વારા બળપ્રયોગ કરવા સંસદની મંજૂરી મેળવી લીધા પછી સ્થિતિએ નાટકીય વળાંક લીધો છે. 

યુક્રેન વિવાદમાં અમેરિકાનું આકરું પગલું

રશિયા માટે પશ્ચિમમાંથી નાણાકીય સ્ત્રોતોના બધા માર્ગ બંધ  

- નાટોનો પૂર્વી મોરચો મજબૂત બનાવવા અમેરિકાની વધારે ટ્રુપ્સ મોકલાશે 

યુક્રેન  વિવાદના પગલે અમેરિકાના પ્રમુખ જો બાઇડેને રશિયાને પશ્ચિમ સાથે કારોબાર કરવા અસમર્થ બનાવવા માટે આકરા પ્રતિબંધો લાદ્યા છે. તેના લીધે રશિયા માટે પશ્ચિમમાંથી નાણાકીય સ્ત્રોતોના બધા માર્ગ બંધ થઈ ગયા છે.  બાઇડેને જણાવ્યું હતું કે રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિને યુક્રેન મોરચે લશ્કર મોકલીને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે. અમેરિકાના રશિયા પરના પ્રતિબંધના પ્રથમ તબક્કાની જાહેરાત કરતાં બાઇડેને જણાવ્યું હતું કે બે મોટી નાણા સંસ્થાો, રશિયન સોવરિન ડેટ અને રશિયન બુદ્ધિજીવીઓ અને તેમના કુટુંબના સભ્યો પર પ્રતિબંધ મૂકાયો છે. બાઇડેને જણાવ્યું હતું કે અમેરિકાના પગલાંના લીધે રશિયા માટે પશ્ચિમમાંથી ફાઇનાન્સ મેળવવું અશક્ય બની જશે.

બાઇડેને જણાવ્યું હતું કે તેઓ નાટોના પૂર્વી મોરચે અમેરિકાના સહયોગી બાલ્ટિક દેશો ખાતે વધારે પ્રમાણમાં લશ્કરી દળો ફાળવશે અને પોતાની સ્થિતિ મજબૂત બનાવશે. તેની સાથે તેમણે ઉમેર્યું હતું કે તેઓ રશિયા સાથે યુદ્ધમાં ઉતરવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી. 

બાઇડેને જણાવ્યું હતું કે પુતિને યુક્રેનના બે પ્રાંતને અલગ કરીને અલગતાવાદીઓને મદદ કરવા તેમના લશ્કર મોકલવાની જાહેરાત કરી અને સંસદમાં જે ભાષણ આપ્યું તથા ડુમાની રશિયા બહાર લશ્કરનો ઉપયોગ કરવા મંજૂરી આપી તે બધુ સ્પષ્ટપણે તેના આક્રમક ઇરાદાઓ દર્શાવે છે. તે બતાવે છે કે રશિયા ગમે ત્યારે યુક્રેનમાં હુમલો કરી શકે છે.