×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી કંપનીઓને 57400 કરોડનો ફાયદો થયો પણ ગ્રાહકોને લાભ ન અપાયો

image :  Envato 


રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાને કારણે દેશની ઓઈલ રિફાઈનરી કંપનીઓને ઘણો ફાયદો થયો છે. સસ્તા ભાવે ક્રૂડ ઓઈલની આયાત કરવાને કારણે આ કંપનીઓએ 14 મહિનામાં 7 બિલિયન ડૉલરની બચત કરી છે. એ અલગ વાત છે કે સસ્તા ક્રૂડ ઓઈલની આયાત છતાં ભારતીય ગ્રાહકોને સસ્તા ભાવે પેટ્રોલ ડીઝલ મળી શક્યાં નથી.

રશિયાની ઓફરનો લાભ ઊઠાવ્યો પણ... 

યુક્રેન પર રશિયાના હુમલાને કારણે જ્યારે અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા, ત્યારે રશિયાએ તેની અર્થવ્યવસ્થાને કોઈપણ બાહ્ય આંચકાથી બચાવવા માટે ભારતને સસ્તું ક્રૂડ ઓઈલ વેચવાની ઓફર કરી હતી. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ભારતે તરત જ આ ઓફરને સ્વીકારી. અહેવાલ અનુસાર, પરિણામ એ આવ્યું છે કે એપ્રિલ 2022થી મે 2023 સુધીના છેલ્લા 14 મહિનામાં દેશની ઓઈલ રિફાઈનિંગ કંપનીઓએ રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ઓઈલ ખરીદવાને કારણે લગભગ 7 બિલિયન ડૉલરનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે.

ભારત ક્રૂડ ઓઈલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ

ભારત ક્રૂડ ઓઈલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત તેની ઇંધણની 85 ટકા જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 139 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. આ પછી ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલની આયાત કરવાનું શરૂ કર્યું. અગાઉ રશિયા ભારતને બહુ ઓછા ક્રૂડ ઓઈલની નિકાસ કરતું હતું. પરંતુ આ ડિસ્કાઉન્ટને કારણે રશિયા ભારતને ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સપ્લાયર બની ગયો.

કેટલું ક્રૂડ ઓઈલ આયાત કર્યું 

રિપોર્ટ અનુસાર, એપ્રિલ 2022થી મે 2023 વચ્ચે ભારતનું કુલ ક્રૂડ ઓઈલ આયાત બિલ 186.45 અબજ ડોલર રહ્યું છે. જો ભારતે આ જ ક્રૂડ ઓઈલ અન્ય સપ્લાયર દેશ પાસેથી આયાત કર્યું હોત તો ભારતે 196.62 બિલિયન ડૉલરની રકમ ચૂકવવી પડી હોત. ભારતે રશિયા પાસેથી 40 અબજ ડોલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું છે. ભારતને આ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $79.75ના ભાવે મળ્યું છે, જે અન્ય દેશોની સરેરાશ કિંમત કરતા બેરલ દીઠ $14.5 સસ્તું છે. આ 14 મહિનામાં ભારતની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો 24.2 ટકા હતો. ટૂંક સમયમાં, રશિયાએ ઇરાક અને સાઉદી અરેબિયા જેવા સપ્લાયર દેશોને બદલી નાખ્યા, જેઓ ભારતને સૌથી વધુ ક્રૂડ ઓઇલનો સપ્લાય કરતા હતા.