×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રવિન્દ્ર જાડેજાએ એમ્પાયરની જાણ બહાર કર્યું આવું કામ, વીડિયો વાયરલ થતા ICCએ કરી કાર્યવાહી

નાગપુર, તા.11 ફેબ્રુઆરી-2023, શનિવાર

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 4 ટેસ્ટ સિરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને અશ્વિનીએ મેચ જીતાડવામાં મોટી ભૂમિકા નિભાવી છે. જાડેજાએ પ્રથમ ટેસ્ટમાં 7 વિકેટ લેવા ઉપરાંત 70 રન પણ ફટકાર્યા છે. આ મેચમાં ભારતનો એક ઈનિંગ અને 132 રનથી ભવ્ય વિજય થયો છે, ત્યારે ICCએ જાડેજા અંગે મોટો નિર્ણય સંભળાવ્યો છે. 

જાડેજાને ફટકારાયો દંડ

ICCએ જાડેજાને એક ડી-મેરિટ પોઈન્ટ અપાયો છે તેમજ મેચ ફીનો 25 ટકા દંડ પણ ફટકાવ્યો છે. બોલિંગ દરમિયાન જાડેજાએ તેની આંગણી પર ક્રીમ લગાવી હતી અને આ દરમિયાન તેના બંને હાથમાં બોલ પણ હતો. આવી સ્થિતિમાં આઈસીસીના નિયમ મુજબ તેમનો દોષી માનવામાં આવે છે. જોકે જાડેજાએ બોલ પર કોઈ અન્ય પદાર્થ ન લગાવતા આઈસીસી સંતુષ્ટ થઈ હતી.

એમ્પાયર્સને જાણ કર્યા વગર બોલ પર ક્રિમ લગાવી

ક્રિકઈન્ફોના અહેવાલો મુજબ, રવિન્દ્ર જાડેજાએ એમ્પાયર્સને જાણ કર્યા વિના બોલ પર ક્રિમ જેવી વસ્તુનો ઉપયોગ કરતા આઈસીસીની ઓફિશિયેન્ટિંગ ટીમે તેને દોષી માન્યો છે. આ કારણે જ તેને ડી-મેરિટ અંક ઉપરાંત દંડ પણ ભરવો પડશે. જાડેજાની બોલ પર ક્રિમ લગાવવાની હરકત સામે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેન અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને પણ સવાલો ઉઠાવ્યા હતા.

ટેસ્ટના પ્રથમ દિવસનો જાડેજાનો વીડિયો થયો હતો વાયરલ

દરમિયાન પ્રથમ દિવસની રમતમાં રવિન્દ્ર જાડેજાનો બોલ પર છેડછાડ કરતો નીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં રવિન્દ્ર જાડેજા જોવા મળી રહ્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જાડેજા બોલિંગ કરતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લઈને પોતાની આંગળી પર લગાવે છે. આ વીડિયો ઓસ્ટ્રેલિયન આઉટલેટ Foxsports.com.auએ શેર કર્યો હતો. આ દરમિયાન ઈંગ્લેડના પૂર્વ સુકાની માઈકલ વૉને ફૉક્સ સ્પોર્ટના ટ્વીટને શેર કરી લખ્યું હતું કે, ‘તે તેની સ્પિનિંગ ફિંગર પર શું લગાવે છે ? આવું ક્યારેય જોયું નથી.’ આ વીડિયો જે સમયનો છે, તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટે 120 રન હતો.

ઓસ્ટ્રેલિયન મીડિયાને રવિન્દ્ર જાડેજાની સફળતા પસંદ આવી

જાડેજાએ તેની આંગળી પર શું લગાવે છે, તે સ્પષ્ટ નથી. પરંતુ ફૂટેજ જોયા બાદ એવું જણાય છે કે જાડેજાએ પોતાની આંગળીઓને આરામ આપવા કોઈ Ointment (મલમ) લગાવ્યું હતું. જો કે માઈકલ વોન અને ટિમ પેઈનની ટિપ્પણીઓ જોઈને લાગી રહ્યું છે કે, વિદેશી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયાને રવિન્દ્ર જાડેજાની સફળતા પસંદ આવી નથી અને તેઓએ એક રીતે જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની ટિમ પેને પણ આ અંગે કોમેન્ટ કરી લખ્યું કે, ‘Interesting’.