×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુ.કે.માં 25 વર્ષનું સૌથી નીચું તાપમાન, થેમ્સ નદી 60 વર્ષ પછી થીજી ગઈ!


લંડન, તા.૧૨

યુરોપમાં શિયાળો આકરો બની રહ્યો છે. યુનાઈટેડ કિંગડમને તેનો પરચો મળ્યો હતો. સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં તાપમાન માઈનસ ૨૩ ડીગ્રી નોંધાયુ હતુ. યુ.કે.ના હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા ૨૫ વર્ષની આ સૌથી ઠંડી રાત હતી. આ પહેલા ૧૯૯૫ની ૩૦મી ડિસેમ્બરે -૨૦ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. એ ઉપરાંત પણ ઘણા સ્થળોએ સૌથી ઓછા તાપમાનના વિક્રમો નોધાયા હતા. લંડન વચ્ચેથી પસાર થતી થેમ્સ નદી પણ ૬૦ વર્ષ પછી પહેલી વખત થીજી ગઈ હતી.

ઠંડીને કારણે વાતાવરણ સુક્કું-ડ્રાય થયું છે. ડ્રાય વાતાવરણ જંગલની આગ-દાવાનળ લગાવવા માટે કારણભૂત બને છે એ વૈજ્ઞાાનિક સત્ય છે. સ્કોટલેન્ડના ૩ વન વિસ્તારોમાં દાવાનળ સળગ્યાના બનાવો નોંધાયા છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસ આગ બુઝાવવા માટે કામે લાગેલી છે.

 

બરફવર્ષાને કારણે રસ્તા બંધ થયા હતા અને ક્યાંક ક્યાંક ટ્રેન પણ અટકાવી પડી હતી. બીજી તરફ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં ૨૦૧૦ પછીની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી અને તાપમાન ઉતરીને -૧૧ ડીગ્રી નોંધાયું હતું. બ્રિટન ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ હોવાથી દર વર્ષે ત્યાં શિયાળો આકરો હોય છે. પરંતુ આ વખતનો શિયાળો જરા વધારે પડતો આકરો જોવા મળ્યો હતો.

ગ્લાસગોમાં રહેતા ગરીબો અને ઘરવિહોણા લોકો આ ઠંડી વચ્ચે વિનામૂલ્યે મળતું ગરમ ભોજન લેવા લાઈનમાં ગોઠવાયા હતા. ૧૯૬૩માં બ્રિટનમાં આકરો શિયાળો જોવા મળ્યો હતો. ત્યારે થેમ્સ નદી પર બરફનું પડ છવાયું હતું. એવી સ્થિતિ હવે ફરીથી સર્જાઈ હતી. લંડનના પરા તરીકે ઓળખાતા ટેડિંગટનમાં થેમ્સનો કેટલોક ભાગ થીજીને નક્કર સપાટીમાં ફેરવાઈ ગયો હતો. તેના પર પક્ષીઓ આંટાં મારતા જોવા મળ્યા હતા.

બરફ જામ થવાથી તેને હટાવી રસ્તા સાફ કરવા માટે મશીનરી કામે લગાડાઈ છે. બરફવર્ષા પણ ત્રણ-ચાર દાયકામાં ન થઈ હોય એવી વિક્રમજનક નોંધાઈ રહી છે. અનેક લોકો કાતીલ ઠંડીને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.

   યુરોપભરમાં માઈનસ તાપમાન, ભારે બરફવર્ષા

એકલા યુ.કે.માં નહીં યુરોપના ઘણા દેશોમાં ઠંડી વધી છે અને ઘાતક બરફવર્ષા જોવા મળી રહી છે. યુરોપના કેટલાય દેશોના મહાનગરોમાં તાપમાન માઈનસ ૧૦ કરતાં પણ ઓછું નોંધાઈ રહ્યું છે. તો બીજી તરફ ૨ ફીટથી લઈને ૩ ફીટ સુધી બરફ વરસી રહ્યો છે. નિષ્ણાતોએ કહ્યુ હતુ કે ગ્લોબલ વૉર્મિંગના કારણે દરેક ઋતુ તોફાની સ્વરૃપમાં જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં આ ઘાતકતા વધશે.


યુરોપના નોંધપાત્ર નગરોનું તાપમાન

હેલસિંકિ (ફિનલેન્ડ)   -૧૦

કિવ (યુક્રેન)   -૧૨

મૉસ્કો (રશિયા)        -૨૦

ઑસ્લો (નોર્વે) -૮

પ્રાગ (ચેકોસ્લોવેકિયા) -૯

વર્સોવા (પોલેન્ડ)      -૮

વિએના (ઑસ્ટ્રિયા)    -૧૨

મિન્સ્ક (બેલારુસ)      --૧૨