×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુવાનોની હા, વડીલોની ના : નરેશ પટેલ રાજકારણમાં આવતા પહેલા ખસી ગયા


- જાન્યુ-22માં રાજકારણમાં જવાની વાત કરી, તારીખ પે તારીખ આપીને સતત મિડીયામાં ચમકતા રહ્યા 

- પાટીદાર યુવાનોને રાજકારણની તાલીમ અપાશે, પટેલ નેતાઓને દિશા નિર્દેશ આપશે

- કિંગ નહીં પણ કિંગમેકર બનવાની મહેચ્છા 

રાજકોટ,તા.16 જુન 2022,ગુરૂવાર

પાંચ મહિના પહેલા ખોડલધામ મંદિરેથી 'સમાજ ઈચ્છશે તો હવે હું રાજકારમમાં આવીશ' તેમ કહીને ભાજપ, કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓ સાથે બંધબારણે બેઠકો યોજીને ક્યા પક્ષમાં જોડાશે તેની અટકળો વહેતી થવા દઈને અંતે આજે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલ મોકુફ રાખવાની જાહેરાત એ જ ખોડલધામ મંદિર પરિસરમાંથી કરી હતી. 

આટલો લાંબો સમય નિર્ણય માટે કેમ લીધો, સોનિયા ગાંધી સહિત કોને કોને મળીને સાથે શુ વાત કરી તે પ્રશ્નોનો ઉત્તર ટાળીને તેમણે કહ્યું કે કોરોના કાળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને વાંચ્યા, જાણ્યા તેથી રાજકારણમાં જઈને સેવા થઈ શકે તેમ લાગતા વિચાર કર્યો હતો, આ માટે દરેક જ્ઞાતિ સમાજમાં સર્વે્ કરાવ્યો, 80 ટકા યુવાનોએ, 50 ટકા મહિલાઓે રાજકારણમાં જવું જોઈએ તેમ કહ્યું પણ તમામ વડીલોએ એક સૂરમાં રાજકારણમાં નહીં જવા સલાહ આપી તે માન્ય રાખી છે.

જો તેઓ રાજકારણમાં જાય તો એક પાર્ટીના બની જાય અને દરેકનું કામ ન કરી શકે. આથી હાલ નિર્ણય મોકુફ રાખ્યો છે એટલે કે રદ જ કહી શકાય તેમ ખોડલધામ વડાએ જણાવ્યું હતું. જો કે પાટીદાર યુવાનોને આઈએએસ સહિત પરીક્ષા ઉપરાંત રાજકારણ માટે તાલીમ આપવામાં આવશે, તેમજ ઈ.સ.2022ની ચૂંટણીમાં પાટીદાર નેતાઓ ઉભા હશે તેમના માટે દિશાનિર્દેશ પણ આપશે. એટલે કે નરેશ પટેલે આજે ચૂંટણી જંગમાં ઉતરી કિંગ નહીં પણ કિંગમેકરની ભુમિકામાં રહેશે તેવો પરોક્ષ નિર્દેશ આપ્યો હતો. જો કે, તેમણે પોતાના પુત્ર શિવરાજ પટેલ પણ રાજકારણમાં ન જોડાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. 

ખોડલધામના માધ્યમથી તેઓ શિક્ષણ,આરોગ્ય અને ખેતીના અનેકવિધ પ્રકલ્પો  હાથ ધરશે અને અમરેલીમાં આ માટે રોલમોડેલ તરીકે પ્રકલ્પો શરુ કરાશે. 

વધુ વાંચો: અટકળોનો અંત : હાલ પૂરતું રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ

ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાની ઈચ્છા તેમણે જારી રાખીને કહ્યું કે ભવિષ્યમાં સમય અને સંજોગો મૂજબ નિર્ણય લેવાશે. તેમણે રાજકારણમાં નહીં પ્રવેશવાના નિર્ણય માટે કોઈ રાજકીય પક્ષનું પ્રેસર નહીં હોવાનો કે પાર્ટીમાં જોડાવાથી પોતાનું મહત્વ ઘટવાનો ડર નહીં હોવાનું જણાવ્યું હતું. 

નરેશ પટેલે સમાજ કહેશે તો રાજકારણમાં ચોક્કસ જઈશ તેમ કહીને અટકળો વહેતી કરી હતી અને ત્યારપછી તેઓ સતત મિ઼ડીયામાં હાઈલાઈટ થતા રહ્યા હતા. પરંતુ, કોઈ પક્ષનો ખેંસ પહેરે તે સાથે ખોડલધામના ચેરમેનનું પદ નિયમ વિરુધ્ધ ટકાવે તો પણ આ મોભો કે જેને દરેક પક્ષના ટોચના નેતાઓ સન્માન આપતા રહ્યા છે તે જોખમમાં મુકાય તેમ હોય તેઓ તારીખ પે તારીખ આપતા રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજીને પણ જાહેરાત કરવાનું ટાળતા હતા ત્યારે જ રાજકારણમાં જોડાવાની તેમની ઈચ્છા નથી તેવી વાતો બહાર આવી હતી જે આજે યથાર્થ ઠરી છે.