×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુદ્ધજહાજ આઈએનએસ વિરાટ અડધું ભંગાયા પછી હવે સુપ્રીમનો સ્ટે!


ભાવનગર/અમદાવાદ/નવી દિલ્હી, બુધવાર

ભારતનું ઐતિહાસિક યુધ્ધ જહાજ આઈએનએસ વિરાટ અલંગમાં ભંગાઈ રહ્યું છે. કેમ કે જ્યારે જહાજ બચાવી શકાય એમ હતું ત્યારે કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલયે સંપૂર્ણ બેદરકારી દાખવી હતી. હવે જહાજ ભાંગવાનું કામ ૪૦-૫૦ ટકા થઈ ચૂક્યુ છે, ત્યારે જહાજ તોડવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો હતો. હવે આ જહાજ સચવાય તો પણ તેનો ભવ્ય દેખાવ રહ્યો નથી અને ફરીથી ભવ્ય દેખાવ ઉભો કરી શકાય એમ પણ નથી.

આઈએનએસ (ઈન્ડિયન નેવલ શિપ) વિરાટે ભારતીય નૌકાદળમાં ૩૦ વર્ષ સુધી કામગીરી કરી. એ પહેલા અઢી દાયકા સુધી એ બ્રિટિશ નૌકાદળમાં સક્રિય હતું. જગતમાં સૌથી વધારે વર્ષ સક્રિય રહેનારા યુદ્ધજહાજમાં વિરાટની ગણતરી થાય છે. માટે આ જહાજ નિવૃત્ત થયું ત્યારે જ તેને મ્યુઝિયમમાં ફેરાવવા પ્રસ્તાવ મુક્યો હતો. રાષ્ટ્રગૌરવની વાતો કરતી સરકારે તેમાં સંપૂર્ણ બેદરકારી દાખવી હતી. એ પછી જહાજ હરાજી કરી વેચી નખાયુ હતુ. હરાજીમાં અલંગના શિપબ્રેકરે ખરીદી લીધું હતું.

હવે સ્ટે મુકી દેતા ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. અંલગમાં જહાજ તૂટતું અટકે એટલા માટે એન્વિટેક મરિન કન્સલ્ટન્ટ કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. આ કંપની જહાજ ખરીદી મ્યુઝિયમ બનાવવા માંગે છે. પણ યુદ્ધજહાજ હોવાથી તેની માલિકી ફેરબદલ કરવા માટે સંરક્ષણ મંત્રાલયની મંજૂરી જોઈએ. સંરક્ષણ મંત્રાલયે એ મંજૂરી આપી ન હતી. માટે કંપનીએ કોર્ટની મદદ લીધી હતી. કોર્ટે હવે એ અટકાવવા આદેશ કર્યો છે. તેની નોટીસ પણ રવાના કરાઈ છે, જે હવે શીપબ્રેકર્સને મળશે.

અત્યારે આઈએનએસ વિરાટનું અલંગમાં શ્રીરામ ગુ્રપના પ્લોટ નં.૯માં વિસર્જન કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.જહાજને ખરીદનાર શ્રીરામ ગુ્રપના મુકેશ પટેલે  જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે મુકેલા સ્ટે અંગેની તેમને કોઈ સત્તાવાર જાણકારી કે હજુ સુધી નોટીસ મળી નથી. વિરાટને ભાંગવાનું કાર્ય ૪૦ થી ૫૦ ટકા પૂર્ણ થઈ ચુક્યું છે. ત્યારે તેને મ્યુઝિયમમાં પરિવર્તિત કરી શકાય તેમ પણ નથી.

  બે દેશના નૌકાદળમાં કામ કરનાર વિરાટ

બે દેશની નેવીમાં સેવા આપનાર વિરાટનો ઈતિહાસ પણ વિરાટ છે.  આઈએનએસ વિરાટ ભારતીય નૌકાદળમાંં ૧૨મે ૧૯૮૭ના દિવસે જોડાયું હતું. ત્રીસેક વર્ષની કામગીરી પછી ૨૦૧૫માં નિવૃત્તિનો નિર્ણય લેવાયો હતો. વિરાટ ભારતે બ્રિટન પાસેથી ખરીદ્યું હતું. ત્યારે ભારત નવું જહાજ ખરીદી શકે એમ ન હતું. એટલે ૧૯૫૯માં બ્રિટિશ નૌકાદળમાં જોડાયેલા અને ૧૯૮૪માં નિવૃત્ત થયેલા એચએમએસ હર્મિસને ખરીદી ભારતને શોભે એવુ નામ વિરાટ આપી દેવાયું હતું. નૌસેનાના એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિરાટના નામે વિશ્વની સૌથી લાંબી સેવા આપવા બદલ રેકોર્ડ પણ કાયમ છે. જ્યારે વિસર્જન કરવાનું નક્કી થયું ત્યારે સોશિયલ મીડિયાથી કોર્ટ સુધી બચાવ ઝુંબેશ ચાલી હતી.

બેમિસાલ બેદરકારી - અલંગની ધૂળમાં ધમરોળાતો ભવ્ય ઇતિહાસ

સરકારે આ જહાજને બચાવવામાં જે બેદરકારી દાખવી એ બેમિસાલ છે. કેમ કે સરકાર પાસે જહાજ સંરક્ષણ માટે અનેક તકો હતી, જે બધી સરકારે જતી કરી. ૨૦૧૬માં સર્વિસમાંથી હટાવાયું અને ૨૦૧૭માં નિવૃત્ત કરાયું ત્યારે જ સરકાર તેનો કબજો લઈ શકી હોત. એ પછી સરકારે હરાજી આરંભી ત્યારે પણ સરકાર ટ્રસ્ટ રચીને જહાજની જાળવણી માટે વ્યવસ્થા કરી શકી હોત. એકથી વધુ કંપનીઓ જહાજ ખરીદી મ્યુઝિયમ બનાવવામાં રસ દાખવ્યો પણ સંરક્ષણ મંત્રાલયે તેની મંજૂરી આપી ન હતી. તો વળી મૂળ બ્રિટનનું હોવાથી બ્રિટિશ ટ્રસ્ટે પણ સરકારને પત્ર લખી આ જહાજ અમને સોંપી દો એવી ડિમાન્ડ કરી હતી. એ પછી મહારાષ્ટ્ર સરકારે પણ કેન્દ્ર સરકારને પત્ર લખી જહાજ અમને આપો તો સાચવીએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ એકેય વખતે સરકારને જહાજનું મહત્ત્વ સમજાયું ન હતું. હવે સુપ્રીમને મહત્ત્વ સમજાયું છે, ત્યારે ગૌરવપૂર્ણ ઇતિહાસ અલંગની ધૂળમાં ધમરોળાઈ રહ્યો છે. પરદેશમાં આ પ્રકારના યુદ્ધજહાજોને ગૌરવપૂર્વક સાચવવામાં આવે છે. આવા જહાજો સચવાય તો લોકોને તેની આંતરીક-બાહ્ય રચના જોવા મળે. કોઈ સક્રિય જહાજ સામાન્ય નાગરિકોને ક્યારેય જોવા ન મળે. પરંતુ નિવૃત્ત થયા પછી સંગ્રહાલય કરવામાં આવે તો લોકો તેની ભવ્યતાને જોઈ શકે.