×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેન યુદ્ધ : શાંતિ મંત્રણા માટે કોઈ આશા દેખાતી નથી : યુનોના મહામંત્રી


- 2023નું વર્ષ યુક્રેનના નાગરિકો, રશિયન સમાજ અને વૈશ્વિક અર્થતંત્ર માટે પણ હતાશાજનક બની રહેશે

યુનો : યુનોના મહામંત્રી એન્ટોનિઓ ગુટેર્રસે હતાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રશિયા- યુક્રેન યુદ્ધ તો ચાલ્યા જ કરે તેમ છે અને નજીકના ભવિષ્યમાં શાંતિ મંત્રણા માટે કોઈ આશા દેખાતી નથી.

વર્ષાંતે યોજાનારી નિયમાનુસારની પત્રકાર પરિષદને સંબોધન કરતાં તેઓએ કહ્યું હતું કે તેઓ અંતરથી ઈચ્છે છે કે આગામી વર્ષનાં અંત સુધીમાં આ યુદ્ધ સમાપ્ત થઈ જાય નહીં તો ૨૦૨૩નું વર્ષ યુક્રેનના નાગરિકો, રશિયન સમાજ અને વૈશ્વિક અર્થતંત્ર માટે હતાશાજનક બની રહેશે.

નજીકનાં ભવિષ્યમાં નિશ્ચિત રીતે તો કોઈ અસરકારક શાંતિ-મંત્રણા યોજાવાની કોઈ સંભાવના વિષે હું આશાવાદી નથી. હું માનું જ છું કે યુદ્ધ ચાલુ જ રહેશે અને ગંભીર રીતે શાંતિ-મંત્રણા હાથ ધરાય તેવી કોઈ સંભાવના પણ હું જોતો નથી. આથી અમે આનુષંગિક બાબતો જેવી કે કાળા સમુદ્રમાંથી અનાજની નિકાસ થવા દેવાની અનુમતિ, એમોનિયાની નિકાસ, તેમજ યુદ્ધ કેદીઓની અદલા-બદલી જેવા મુદ્દાઓ ઉપર વધુ લક્ષ્ય આપી રહ્યા છીએ.

સોમવારે જ રશિયાએ પાયાની સુવિધાઓ ઉપર કીવમાં કરેલા પ્રચંડ મિસાઈલ હુમલાઓ જોતાં નજીકનાં ભવિષ્યમાં તો યુદ્ધ મંદ પડવાની પણ કોઈ આશા રહી નથી.

એન્ટોનિયા ગુટેર્રસે આ પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે મેં અન્ય દેશમાં યુદ્ધ કેદી તરીકે રહેવાની શી સ્થિતિ થતી હશે તેની હું કલ્પના પણ કરી શકતો નથી. આથી જ અમે બને તેટલા ઉપયોગી થવા પ્રયત્નો કરીએ છીએ અને મંત્રણા માટે ભૂમિકા પણ તૈયાર કરવા પ્રયત્નશીલ છીએ. પરંતુ ખરા અર્થમાં શાંતિ-મંત્રણા યોજાય તેવી તકો તો નજીકનાં ભવિષ્યમાં અમને ક્ષિતિજ ઉપર પણ દેખાતી નથી.