×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેનનો પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો


- બે ડ્રોન હુમલા કરી પ્રમુખ પુતિનની હત્યાનો પ્રયત્ન યુક્રેનનું આતંકી કૃત્ય : રશિયા

- યુક્રેનને 30 કરોડ ડોલરના શસ્ત્રોનો પુરવઠો અમેરિકા આપશે : નોર્ડિક દેશો પણ યુક્રેનને દારુગોળો પૂરો પાડશે

કીવ : રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને ક્રેમિલન પર નિષ્ફળ ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ આ રાષ્ટ્રપતિ  પુતિન પર હુમલાનો નિષ્ફળ પ્રયત્ન ગણાવ્યો હતો. તેની સાથે તેને આતંકવાદી કૃત્ય ગણાવી વળતો પ્રહાર કરવાનો દાવો કર્યો હતો. યુક્રેને આવું કશું જ કર્યાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે મોસ્કો યુદ્ધના મોરચે વધુ આકરી કાર્યવાહી કરવા માટે આ પ્રકારની સ્થિતિનું સર્જન કરી રહ્યું છે. આ હુમલો થયો ત્યારે પુતિન ક્રેમલિનમાં ન હતા, તેઓ મોસ્કોની બહારના નોવો-ઓગારવોયો રેસિડેન્સ ખાતે હતા. 

ક્રેમલિન પર હુમલાની કોઈપણ સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવો પણ નથી.આ ઘટના બન્યા પછી તેને જાહેર કરવામાં બાર કલાક કેમ લાગ્યા તે અંગે પણ કોઈ અધિકારીએ કશું કહ્યું નથી. 

અમેરિકા આ ઉપરાંત યુક્રેનને મદદ કરવા ૩૦ કરોડ ડોલરનો શસ્ત્ર પુરવઠો મોકલવાનું છે. તેમા આર્ટિલરી રાઉન્ડ્સ, હોવિત્ઝર્સ, એર-ટુ-ગ્રાઉન્ડ રોકેટ્સ અને દારુગોળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેન્કને ભેદતા હાઇડ્રો રોકેટ્સ પણ પૂરા પાડવાનું છે. 

યુક્રેનના પ્રેસિડેન્સિયલ એડવાઇઝર પોડોલ્યાકે કોઈપણ પ્રકારની સંડોવણીનો ઇન્કાર કર્યો છે. તેણે કહ્યું હતું કે યુક્રેનનો ક્રેમલિન પર થયેલા ડ્રોન હુમલા સાથે ન્હાવા નીચોવવાનો પણ સંબંધ નથી. તેણે કહ્યું હતું કે રશિયા યુક્રેનના શહેરો પરના મિસાઇલના હુમલા, નાગરિકો પર હુમલા, ઇન્ફ્રાસ્ટ્રકચર પર આગામી દિવસોમાં હુમલા કરીને તેને ન્યાયી ઠેરવવા અત્યારથી જ પૂર્વતૈયારી કરી રહ્યું છે. તેમના દ્વારા આ કથિત હુમલાનો સીધો અર્થ એમ થાય કે રશિયાની ક્રેમલિન તરફી પર્સનાલિટીઓ યુક્રેનમાં હવે સીનિયર લીડરશિપ પર હુમલા કરશે. 

યુક્રેન-રશિયા વચ્ચેના ૧૪ મહિનાના સંઘર્ષમાં આ ડ્રોન હુમલો સ્થિતિને વધુ વણસાવે તેમ મનાય છે. ક્રેમલિને જણાવ્યું હતું કે ડ્રોનનો હુમલો થાય તે પહેલા રશિયાના લશ્કરી અને સુરક્ષા દળોએ ત પહેલા તેને હવામાં જ તોડી પાડયા હતા. તેમા કોઈને ઇજા થઈ નથી. 

હાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પાંચ નોર્ડિક દેશોના નેતાઓની હેલસિન્કી ખાતે યોજાનારી બેઠકમાં અઘોષિત મુલાકાત લઈ શકે છે. તે રશિયાના લશ્કરી દળોને યુક્રેનમાંથી દૂર કરવા માટે વધુને વધુ શસ્ત્ર પુરવઠો આ દેશોમાંથી મેળવવાનું સુનિશ્ચિત કરી શકે છે. 

રશિયાએ ડ્રોન હુમલાનો દાવો કર્યો તે પહેલા ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન ટૂંક સમયમાં વળતો પ્રહાર કરે તેવી સંભાવના છે. આ વર્ષ વિજય માટે ખૂબ જ નિર્ણાયક હશે, એમ તેમણે જણાવ્યું હતું. ક્રેમલિનની વેબસાઇટે જણાવ્યું હતું કે ડ્રોનનો કાટમાળ મોસ્કોના રસ્તા પર પડયો હતો. મોસ્કોની ન્યુઝ ટેલિગ્રામ ચેનલે તેનો વિડીયો પણ પબ્લિશ કર્યો હતો. તેમા બિલ્ડિંગ પર ધુમાડો ઉડતો દેખાય છે. જો કે તેની ખરાઈ કરી શકાઈ નથી અને તે કરવી અઘરી છે. 

વિડીયો મુજબ મોડી રાતના અઢી વાગ્યાનો સમય દર્શાવવામાં આવ્યો છે. ક્રેમલિનનો દાવો છે કે આ હુમલો રશિયાના વિક્ટરી ડેને ખોરવવા માટે કરવામાં આવ્યો હતો. રશિયા દર વર્ષે નવમી મેએ લાલચોકમાં વિજય દિવસ મનાવે છે. આ દિવસે તેણે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીને હરાવ્યું હતું. આ દિવસે વિદેશી પ્રતિષ્ઠિતો પણ ભાગ લે તેમ મનાય છે. 

પેસ્કોવે જણાવ્યું હતું કે આ પરેડ રાબેતા મુજબ યોજાશે. ડ્રોન હુમલો થયો તે પહેલા મોસ્કોના મેયરે રશિયાની રાજધાનીમાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. રશિયાના સત્તાવાળાઓ સિવાય કોઈ ડ્રોનનો ઉપયોગ કરી શકે તેમ જણાવ્યું હતું. 

પુતિનથી નારાજ લશ્કરી જનરલો સામે શંકાની સોય

ક્રેમલિન પરના હુમલાના દાવાની ખરાઈ કરવી કપરી

- પુતિનના વિરોધીઓ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હોય તેવી વ્યક્ત થતી શંકા 

રશિયાએ ક્રેમલિન પર ડ્રોન હુમલાનો દાવો તો કર્યો છે, પરંતુ તેના દાયકાની ખરાઈ કરવી અત્યંત અઘરી છે. રશિયા અને ચીન જેવા રાજકીય રીતે લોખંડી પડદો ધરાવતા દેશોમાં સત્તાધીશોના દાવાની ચકાસણી કરવી અશક્ય હોય છે.રશિયા હવે ગોર્બોચેવના સમયનું મુક્ત રશિયા રહ્યું નથી, પરંતુ પુતિન અને તેના ક્રોની કેપિટલિસ્ટોનું રશિયા છે. તેના રાજકીય ક્ષેત્રે હજી પણ સીમિત તકો છે. એલેક્સ યેવગેનીને ખતમ કરી નાખવાનો પ્રયાસ કરાયો અને હાલમાં તે જેલમાં બંધ છે તે આનો પુરાવો છે. 

તેથી રશિયાએ જ્યારે દાવો કર્યો છે કે ક્રેમલિનના રાષ્ટ્રપતિ ભવન પર હુમલો થયો છે અને યુક્રેને તેનો ઇન્કાર કર્યો છે. રશિયાએ તેના દાવાના સમર્થનમાં વિડીયો રજૂ કર્યો છે, પરંતુ આ બધાની હજી સુધી ખરાઈ થઈ શકી નથી. 

અગાઉ પણ રશિયાના દાવા ખોટા પુરવાર થયા હોવાથી તેના પર કોઈ ભરોસો કરતું નથી. તેથી જ રશિયાએ જ્યારે હુમલાનો દાવો કર્યો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તેવું સમર્થન મળ્યું નથી. આમ સહાનુભૂતિ મેળવવાના રશિયાના પ્રયાસો વ્યર્થ ગયા છે. 

રશિયાના દાવાની સામે યુરોપ અને અમેરિકા તે ચિંતામાં પડયા છે કે આ દાવાની ખરાઈ કરવી કઈ રીતે. તેઓ રશિયાના વિડીયોના આધારે દાવો સાચો માનવા તૈયાર નથી. તેથી અહીં સંભાવના કે એવી થિયરીઓ પણ વહેતી થઈ છે કે આ હુમલો પુતિનના રાજકીય વિરોધી દ્વારા કરવામાં આવ્યા હોય. 

બીજી થિયરી મુજબ રશિયાના લગભગ બે લાખ સૈનિકો ખતમ થવા આવ્યા હોવાથી પુતિનથી નારાજ લશ્કરી અધિકારીએ પણ ડ્રોન હુમલો કરાવ્યો હોઈ શકે. આ સિવાય આ હુમલો પુતિનને આંતરિક સ્તરે જ ચેતવણી આપવા માટે પણ થયો હોઈ શકે. રશિયામાં પણ યુદ્ધનો વિરોધ કરનારો મોટો વર્ગ છે. તેઓ પુતિનના પણ વિરોધી છે. આ સિવાય પુતિનના શાસન સામેના અસંતુષ્ટોનો પણ તેમા હાથ હોઈ શકે છે. કેટલાક આ હુમલાને પુતિનને હટાવવા માટે રશિયાની અંદર જ શરુ થયેલી સક્રિયતા તરીકે પણ જુએ છે. તેઓને લાગે છે કે યુક્રેનની બાબતમાં પુતિનની સ્થિતિ અમેરિકાની વિયેતનામમાં થઈ હતી તેવી જ છે.