×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'યાસ' વાવાઝોડું 26મીએ બંગાળ, ઓડિશા પર ત્રાટકશે : હવામાન વિભાગ


એનડીઆરએફની 65 ટીમ તૈનાત કરાઈ

155થી લઈને 165 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની, તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ, તોફાનની લહેરો ઉઠવાની આશંકા 

વડાપ્રધાન મોદીએ 'યાસ' વાવાઝોડાની પરિસ્થિતિની સમીક્ષા કરી

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું યાસ 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કિનારે ટકરાય તેવી શક્યતા છે. આ કારણે તોફાનથી પ્રભાવિત થવાની આશંકા ધરાવતા વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એનડીઆરએફ)ની 65 ટીમો તૈનાત કરવાની તૈયારી છે. એનડીઆરએફની વધુ 20 ટીમો પણ તૈયાર રહેશે જેને જરૂર પડે તો તૈનાત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યાસ વાવાઝોડા સામે કરાયેલી પૂર્વ તૈયારી અંગે ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે દરિયાકાંઠા આસપાસના લોકોનું સમયસર સ્થળાંતર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ સંબંધિત એજન્સીઓને સંકલન સાધી કામગીરી કરવાની સૂચના આપી હતી.

બેઠકમાં તેમણે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સંકલન સાધી નિશ્ચિત કરે કે વધુ જોખમ ધરાવતા વિસ્તારોમાંથી લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવે. આ કામગીરી દરમિયાન હોસ્પિટલોમાં ચાલતી કોવિડ સારવાર અને વેક્સિનેનશનને ખલેલ ન પહોંચે તે નિશ્ચિત કરવાની અપીલ પણ અધિકારીઓે કરવામાં આની છે.

દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા સમુદાયના આગેવાનો, અન્ય હિતધારકો અને ઉદ્યોગોને પણ શક્ય કામગીરી કરવા સ્થાનિક અધિકારીઓ પ્રોત્સાહન આપે તેવું સૂચન કરવામાં આવ્યું છે. વાવાઝોડાનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિ (એનસીએમસી)ની બેઠક યોજાઈ હતી. કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.

બેઠકમાં યાસનો સામનો કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો, એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ભારત હવામાન વિભાગ (આઈએમડી)ના ડીજીએ આ સમિતિને વાવાઝોડાની નવીનતમ સ્થિતિ અંગે જાણકારી આપી હતી.  આઈએમડીના અહેવાલ પ્રમાણે વાવાઝોડું 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને સમીપવર્તી ઉત્તરી ઓડિશાના કિનારે પહોંચે તેવી પ્રબળ સંભાવના છે.

આ દરમિયાન 155થી લઈને 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની, આ રાજ્યોના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાનની લહેરો ઉઠવાની આશંકા છે. સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવે સમિતિને વાવાઝોડાનો સામનો કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓની જાણકારી આપી હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાનું કામ ચાલુ છે તેમ પણ જણાવ્યું હતું. 

રાજ્યોના મુખ્ય સચિવના કહેવા પ્રમાણે ખાદ્યાન્ન, પેયજળ અને અન્ય જરૂરી વસ્તુઓની આપૂત માટે તેના પર્યાપ્ત સ્ટોકની વ્યવસ્થા કરી દેવાઈ છે. આ સાથે જ વીજળી અને દૂરસંચાર જેવી આવશ્યક સેવાઓને સુચારૂ બનાવી રાખવા માટે પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. જહાજ અને વિમાન ઉપરાંત થલ સેના, નૌસેના અને તટરક્ષક દળની રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરાઈ છે. 

કોવિડ કેર સેન્ટર માટે જરૂરી તૈયારી

હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરનું સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરાઈ રહી છે. દેશભરના કોવિડ કેર સેન્ટર માટે ઓક્સિજનનું ઉત્પાદન અને આપૂત પણ સુનિશ્ચિત કરાઈ રહ્યા છે.