×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યાસની અસર, લાતેહાર ખાતે નદીમાં વહી બોલેરો, લોકોએ કૂદીને બચાવ્યો જીવ, વારાણસીમાં એલર્ટ


- યાસ વાવાઝોડાની અસર ઝારખંડ ઉપરાંત બિહારમાં પણ વર્તાઈ રહી છે

નવી દિલ્હી, તા. 27 મે, 2021, ગુરૂવાર

ઝારખંડમાં યાસ વાવાઝોડાની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે જેથી રાજ્યની નદીઓમાં તોફાન ઉઠ્યું છે. લાતેહાર ખાતે એક નદીમાં પાણી એટલી હદે ઉછાળા મારવા લાગ્યું હતું કે તેમાં ગાડીઓ ફસાઈ ગઈ હતી. જો કે, ગાડીઓમાં સવાર લોકોએ કોઈ રીતે નદીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. હવામાન વિભાગે પહેલેથી જ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી રાખી હતી. 

લાતેહાર ખાતે છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ધરધરી નદીનું જળસ્તર ઉંચુ આવ્યું છે. આ બધા વચ્ચે સદર પ્રખંડના તૂપુ હેસલા ગામ પાસે પુલ ન હોવાના કારણે એક બોલેરો ગાડીએ નદી વચ્ચેથી જ બીજા કિનારે પહોંચવા પ્રયત્ન કર્યો હતો. તે વખતે અચાનક જ ભારે વહેણ આવી જતા બોલેરો ગાડી પાણીમાં વહેવા લાગી હતી. ગાડીમાં સવાર લોકોએ ગાડીમાંથી બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો અને દોરડા વડે ગાડીને બહાર ખેંચી લીધી હતી. 

બિહારમાં પણ દેખાઈ અસર

યાસ વાવાઝોડાની અસર ઝારખંડ ઉપરાંત બિહારમાં પણ વર્તાઈ રહી છે. કિશનગંજ ખાતે ભારે પવન સાથે થોડા થોડા સમયે વરસાદ વરસી રહ્યો છે. કિશનગંજના જિલ્લાધિકારીએ યાસ વાવાઝોડાને લઈ હાઈ એલર્ટ જાહેર કરેલું છે. સાથે જ ડીએમ એ જિલ્લાના તમામ કાર્યપાલક પદાધિકારીઓને નદીઓના જળસ્તર પર નજર રાખવા નિર્દેશ આપી દીધો છે. 

સમસ્તીપુર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કોવિડ કેર સેન્ટર્સમાં વીજ પુરવઠાની સમસ્યા ન સર્જાય તે માટે જનરેટર લગાવી દેવામાં આવ્યા છે. 

ગંગા નદીના કિનારે એલર્ટ

યાસ વાવાઝોડાના કારણે ઉત્તર પ્રદેશના ગંગા નદી પસાર થતી હોય તેવા વિસ્તારોમાં પણ સતત ચેતવણી આપવામાં આવી રહી છે. વારાણસીમાં જિલ્લા પ્રશાસને વાવાઝોડાને લઈ જરૂરી દિશાનિર્દેશ સાથે હેલ્પલાઈન નંબર જાહેર કરી દીધા છે. જ્યારે ગંગાઘાટ ખાતે પોલીસ સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને ચેતવી રહી છે. તે સિવાય પહેલેથી જ પ્રતિબંધિત નૌકા સંચાલનનું વધુ આકરૂ પાલન કરાવવામાં આવી રહ્યું છે. વારાણસીમાં સવારથી જ વાવાઝોડા પહેલાની અસર વર્તાઈ રહી છે.