×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યાસની અસરઃ પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાની અને ભારે વરસાદની ઘટનાઓમાં 5ના મોત


- યાસના કારણે થયેલા નુકસાનનો તકાજો મેળવવા વડાપ્રધાન આજે ઓડિશા, પ.બંગાળની મુલાકાતે

નવી દિલ્હી, તા. 28 મે, 2021, શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, મુર્શિદાબાદ જિલ્લાના હરિહરપાડા ખાતે 2 કિશોરો તથા નદિયા જિલ્લાના નકાશીપાડા ખાતે એક વ્યક્તિનું આકાશી વીજળી પડવાના કારણે મૃત્યુ થયું હતું. 

તે સિવાય પૂર્વ મેદિનીપુરના નંદીગ્રામ ખાતે 2 છોકરાઓ આકાશમાંથી પડેલી વીજળીની લપેટમાં આવતા મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં યાસ વાવાઝોડાના એક દિવસ બાદ અનેક શહેરો અને જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. 

યાસ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનો તકાજો મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાત લેશે. 

બંગાળમાં 1 કરોડ લોકો પ્રભાવિત

બંગાળ સરકારે કરેલા દાવા પ્રમાણે આ કુદરતી હોનારતના કારણે ઓછામાં ઓછા 1 કરોડ લોકો પ્રભાવિત થયા છે અને 3 લાખ મકાનોને નુકસાન પહોંચ્યું છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાવાઝોડાના કારણે રાજ્ય સૌથી વધારે પ્રભાવિત થયું હોવાનો દાવો કર્યો હતો. લગભગ સંપૂર્ણ પશ્ચિમ બંગાળમાં પાણી ભરાયા છે અને અનેક બંધ ભાંગી પડ્યા છે. દક્ષિણ 24 પરગણાના સાગર તથા ગોસાબા જેવા ક્ષેત્રો અને પૂર્વ મિદનાપુરના મંદારમણિ, દીઘા અને શંકરપુર જેવા તટીય વિસ્તારોમાં દરિયાના પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ વ્યાપક નુકસાન થયું છે. મમતા બેનર્જીએ રાજ્યમાં આશરે 15,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો હતો.