×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મ્યાનમારના સૈન્યની ક્રૂરતા! સામાન્ય નાગરિકો પર કર્યો બોમ્બમારો, બાળકો સહિત 100થી વધુનાં મોત

image : Twitter


મ્યાનમારની સેનાએ સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમ માટે એકઠા થયેલા નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કર્યો હતો. અહેવાલ અનુસાર આ હુમલામાં બાળકો સહિત ડઝનબંધ લોકો માર્યા ગયા છે.  કેટલાક મીડિયા અહેવાલોમાં 100 થી વધુ લોકો માર્યા ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે અને તેમાં સામાન્ય લોકો પણ હાજર હતા.

સંયુક્ત રાષ્ટ્રએ હુમલાની ટીકા કરી 

સંયુક્ત રાષ્ટ્રએ નાગરિકો પર મ્યાનમારના સૈન્ય દ્વારા કરાયેલા હવાઈ હુમલાની આકરી ટીકા કરી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે એક નિવેદન જારી કરીને કહ્યું કે હવાઈ હુમલાના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. તેમણે જણાવ્યું હતું કે પીડિતોમાં કાર્યક્રમમાં નૃત્ય કરતા શાળાના બાળકો અને ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેલા અન્ય નાગરિકો સામેલ હોવાની માહિતી મળી છે, તેમના પર સૈન્યના હેલિકોપ્ટર દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

મૃતકોમાં સૈન્ય શાસનવિરોધી સશસ્ત્ર જૂથોના નેતાઓ પણ સામેલ હતા

સ્થાનિકોએ જણાવ્યું કે હવાઈ હુમલામાં સૈન્ય શાસનવિરોધી જૂથ નેશનલ યુનિટી ગવર્નમેન્ટ (એનયુજી) ની ઓફિસ નષ્ટ થઈ ગઈ. તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ સમયે મહિલાઓ અને બાળકો સહિત 150 થી વધુ લોકો સમારોહમાં ભાગ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં સશસ્ત્ર જૂથોના નેતાઓ અને સૈન્ય શાસનનો વિરોધ કરતા અન્ય રાજકીય સંગઠનોનો સમાવેશ થાય છે.

લશ્કરી બળવા પછી 3,000 થી વધુ નાગરિકો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ 

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2021માં મ્યાનમારની સેનાએ તખ્તાપલટ કરીને દેશની સત્તા સંભાળી હતી. ત્યારથી દેશમાં સૈન્ય શાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ પ્રદર્શનોને ડામવા માટે સેના લોકો પર બળપ્રયોગ કરી રહી છે. સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 3,000 થી વધુ નાગરિકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.