×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોરબીમાં પુલ તુટવાની ઘટના મોટી હોનારત, યોગ્ય કાર્યવાહીનો સુપ્રીમનો આદેશ


- મોરબીની ઘટના પાછળના મૂળ આરોપીઓ સામે પગલા લેવાશે

- અરજદારોને હાઇકોર્ટમાં જવા કહેવાયું, સુનાવણીથી સંતોષ ન થાય તો સુપ્રીમ પરત આવવા કહ્યું

- જવાબદાર કંપની, અધિકારીઓ સામે કાર્યવાહી માટે નિયમિત સુનાવણી કરવા પણ હાઇકોર્ટને સુપ્રીમે કહ્યું

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મોરબીનો પુલ તુટવાની ઘટનાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે જ આ ઘટનાને મોટુ હોનારત પણ ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને કહ્યું છે કે આ સમગ્ર મામલાની નિયમિત સુનાવણી કરવામાં આવે કે જેથી  જે પણ ગુનેગારો છે તેને કાયદાના સકંજામાં લાવી શકાય. સુપ્રીમ કોર્ટે આ મામલાની પહેલાથી જ સુનાવણી કરી રહેલી ગુજરાત હાઇકોર્ટને કહ્યું છે કે તે આ મામલા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ વિચાર કરે. 

કોર્ટમાં દાખલ અરજીમાં માગણી કરવાં આવી છે કે સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરવામાં આવે, નગરપાલિકાના અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવે, બ્રિજની દેખરેખ જે કંપનીને સોપવામાં આવી હતી તેના જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવે. મૂળ આરોપીની હજુ ધરપકડ નથી થઇ તેની ધરપકડ કરવામાં આવે. સાથે જ પીડિત પરિવારને પણ યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું તેથી વધુ વળતર આપવામાં આવે. આ સમગ્ર ઘટનામાં પોતાના પરિવારજનોને ગુમાવનારા દિલીપ ચાવડાના વકીલ ગોપાલ શંકર નારાયણન દ્વારા આ મુદ્દાઓ પર કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. 

સુપ્રીમ કોર્ટમાં મુખ્યત્વે આ મામલે બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. વકીલ વિશાલ તિવારી તરફથી દાખલ અરજીમાં સમગ્ર ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક ન્યાયિક આયોગનું ગઠન કરવાની માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત માગણી કરાઇ છે કે તમામ રાજ્ય કમિટીનું ગઠન કરે અને જે પોતાને ત્યાં આવા જુના સ્મારક કે ઐતિહાસિક ધરોહર હોય તેના પડવાનું કેટલુ જોખમ રહેલુ છે તેનો રિપોર્ટ તૈયાર કરે. 

કે જેથી તેને વધુ સુરક્ષીત બનાવવા માટે અગાઉથી જ પગલા લઇ શકાય. કોર્ટમાં દલિલ વખતે અરજદારોએ એવો દાવો કર્યો હતો કે આ મામલા પર હાઇકોર્ટ ત્રણ વખત સુનાવણી કરી ચુકી છે પણ મૂળ આરોપીઓની સામે કાર્યવાહીના કોઇ મોટા આદેશ નથી આપવામાં આવ્યા. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે આ એક મોટી ઘટના છે અને તેથી જવાબદાર લોકોની સામે કાર્યવાહી થવી જોઇએ.  આ સાથે જ અરજદારોને સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટમાં અપીલ કરવાની પણ છૂટ આપી છે. હાઇકોર્ટની કાર્યવાહીથી સંતોષ ન થાય તો સુપ્રીમ કોર્ટમાં આવવાની છૂટ પણ આપવામાં આવી છે.