×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોરબીની દુર્ઘટના: FSLનો રિપોર્ટ કહે છે કે….


મોરબી, તા. 2 નવેમ્બર 2022 બુધવાર

મોરબી ખાતે ઝૂલતો પુલ તુટી પડવા અને તેના કારણે ૧૩૫ વ્યક્તિઓના મોત અંગે ચાલી રહેલી તપાસમાં FSL રિપોર્ટની કેટલીક વિગતો જાહેર થઈ છે. આ વિગતો સ્પષ્ટ રીતે નિર્દેશ આપે છે કે કહેવાતા સમારકામ દરમિયાન ટેકનિકલ જ્ઞાનના અભાવના કારણે આ કરુણ ઘટના સર્જાઈ છે. આ રિપોર્ટ એવું પણ સ્પષ્ટ કરે છે કે આ ઘટના માટે માત્ર અને માત્ર રીપેરીંગનું કામ કરનાર એજન્સી જ જવાબદાર છે.

વિગતો અનુસાર ફરિયાદી પક્ષ વતી ઘટનાની પ્રાથમિક તપાસ બાદ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરતા એક બંધ પરબીડિયામાં FSL નો રિપોર્ટ ચીફ જ્યુડીસિયલ મેજીસ્ટ્રેટને આપવામાં આવ્યો હતો. પરંતુ, આરોપીઓના રિમાન્ડની દલીલમાં તેની કેટલીક વિગતો જાહેર કરવામાં આવી હતી.

દલીલમાં જાહેર કરેલો વિગતો અનુસાર મરમ્મત દરમિયાન ૧૫૦ વર્ષ જૂના પુલના ફ્લોર ઉપરથી એ સમયે ઉપયોગમાં લેવામાં આવેલા લાકડા કાઢી તેના સ્થાને બે લેયરમાં એલ્યુમિનિયમના ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુલના ફ્લોર ઉપર લાકડાના બદલે એલ્યુિનિયમની પ્લેટ અને અન્ય મટીરીયલ ઉપયોગમાં લેતા બ્રીજનું વજન વધી ગયું હતું. બીજી તરફ, પુલને લટકતો રાખવા માટેના કેબલ લાકડાંનું વજન ખમી શકવા માટે જ બન્યા હતા. નવા કોન્ટ્રેક્ટર દ્વારા માત્ર ફ્લોરિંગ બદલવામાં આવ્યું હતું અને કેબલ નહિ. કેબલ નહિ બદલવામાં આવતા, વધારે વજનનો પુલ જોખમી બની ગયો હતો અને તેના કારણે પ્રાથમિક તપાસમાં તે તૂટી પડ્યો હોવાનું કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.